{{DK_SUBHEADING}}

ગુજરાત: એકાદ સપ્તાહના વિરામ બાદ મેઘરાજાનો નવો રાઉન્ડ શરૂ થયો હોય તેમ રાજ્યના અર્ધોઅર્ધ ભાગોમાં હળવો-મધ્યમ વરસાદ થયો હતો. આજે સવારથી જોર વધવા લાગ્યું હતું. વરસાદના નવા રાઉન્ડથી પાક-પાણી મોરચે વધુ રાહત થઇ શકે છે. સ્ટેટ ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટરના રીપોર્ટ પ્રમાણે ગઇકાલથી રાજ્યના અનેક ભાગોમાં વાતાવરણ બંધાવા સાથે વરસાદી માહોલ સર્જાયો હોત. હળવા-ભારે વરસાદના મંડાણ થયા હતા.

મધ્ય પ્રદેશ પર લો-પ્રેશર સિસ્ટમ તથા તેને સંલગ્ન અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસરે નવી મેઘસવારી શરૂ થઇ છે. હજુ બે દિવસ વરસાદી દોર જારી રહેવાની આગાહી છે. ગુજરાતના મધ્ય પ્રદેશ-રાજસ્થાનને જોડતા બોર્ડર ભાગોમાં વરસાદનું જોર વધુ રહેવાની તથા અન્ય ભાગોમાં હળવો-મધ્યમ વરસાદ થવાની આગાહી છે. આજે સવારે 6 વાગ્યે પુરા થયેલા ચોવીસ કલાકમાં રાજ્યના અર્ધોઅર્ધ તાલુકા ભીંજાયા હોય તેમ હળવો-મધ્યમ વરસાદ થયો હતો. રાજ્યના 134 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

તેમાં સૌથી વધુ સવા બે ઇંચ મહીસાગરના ગોધરામાં વરસ્યો હતો. વલસાડ, નવસારી, દાહોદ, મહીસાગર જેવા જિલ્લાઓમાં વરસાદનો વ્યાપ વધુ હતો. આજે સવારની સ્થિતિએ રાજ્યમાં સીઝનનો 70.60 ટકા વરસાદ થઇ ગયો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 97.36 ટકા નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં 68.10 ટકા, સૌરાષ્ટ્રમાં 54.76 ટકા, ઉત્તર ગુજરાતમાં 51.65 ટકા તથા કચ્છ ઝોનમાં 29.05 ટકા વરસાદ થઇ ગયો છે.

રાજ્યમાં તમામ તાલુકામાં વરસાદ છે છતાં 10 તાલુકામાં પુરો પાંચ ટકા પણ વરસાદ વરસ્યો નથી તેમાંથી 3માં તો બે ઇંચ પણ થયો નથી. દરમિયાન આજે સવારથી વરસાદનું જોર વધ્યું હોય તેમ અમદાવાદ, વડોદરા, મહીસાગર, ગાંધીનગર, પંચમહાલ, ખેડા, નવસારી, દાહોદ સહિતના જીલ્લાઓમાં મેઘસવારી હતી. બાલાસિનોરમાં બે કલાકમાં 1.30 ઇંચ, ગોધરામાં 1.26 ટકા, દેહગામમાં 1.06 ઇંચ વરસાદ હતો. કુલ 55 તાલુકામાં ઝાપટાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે હજુ બે-ત્રણ દિવસ મેઘસવારી ચાલુ રહેવાની આગાહી કરી છે. આ દરમિયાન નવી સિસ્ટમ ઉભી થવાના સંજોગોમાં આવતા સપ્તાહમાં નવો રાઉન્ડ શક્ય છે.





















