
ગાંધીનગર: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા સ્ટેટ ઈ-ગવર્નન્સ મિશન ટીમ (SeMT), ગુજરાતના સહયોગથી `દિવ્યાંગ એસ. ટી. બસ (PHID) પાસ’ને ડિજિલોકર (DigiLocker) સાથે જોડી દેવામાં આવ્યા છે. નાગરિક-કેન્દ્રિત ડિજિટલ શાસન ક્ષેત્રે ગુજરાત સરકારના આ નવતર પ્રયોગની નોંધ લઈને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે `એક્સેલન્સ ઇન સિટિઝન-સેન્ટ્રિક ડિજિટલ ગવર્નન્સ’ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યું છે. આ સેવાના કારણે દિવ્યાંગ વ્યક્તિઓએ હવે પ્રવાસ વખતે કાગળનો ફિઝિકલ પાસ સાથે રાખવાની જરૂર રહેશે નહીં.

મુસાફરી દરમિયાન બસ કંડક્ટરને સ્માર્ટફોનમાં ડિજિલોકરમાં રહેલો ડિજિટલ પાસ બતાવીને લાભાર્થીઓ સરળતાથી એસ. ટી. બસોમાં મુસાફરી કરી શકશે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજાના જણાવ્યા અનુસાર, વિભાગ દ્વારા અત્યાર સુધીમાં રાજ્યભરમાં 4.42 લાખથી વધુ દિવ્યાંગ બસ પાસ ઇશ્યૂ કરવામાં આવ્યા છે.

આ પાસ અધિકૃત ઓળખપત્ર તરીકે કામ કરે છે, જેનાથી દિવ્યાંગો GSRTC ની તમામ બસોમાં વિનામૂલ્યે પ્રવાસ કરી શકે છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સચિવ હર્ષદ પટેલે (IAS) જણાવ્યું કે, પાસ ડિજિલોકરમાં સંગ્રહિત થવાથી તે ખોવાઈ જવાની કે ક્ષતિગ્રસ્ત થવાની ચિંતા રહેશે નહીં અને પેપરલેસ શાસનને પ્રોત્સાહન મળશે. મે 2026માં યોજાયેલી ‘નેશનલ ક્નસલ્ટેટિવ વર્કશોપ ઓન સ્ટ્રેન્થનિંગ સાયબર સિક્યુરિટી ફ્રેમવર્ક ફોર સ્ટેટ ડેટા’ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના આ સફળ મોડેલને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યું હતું.






















