મોરબી: તાલુકાની જેતપર હાઈસ્કૂલ ખાતે વર્ષ 1985થી 1987 દરમિયાન SSC સુધી સાથે અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓનું 40 વર્ષ બાદ ભવ્ય અને ભાવુક સ્નેહ મિલન યોજાયું હતું. જેતપર, શાપર, જસમતગઢ, ચકમપર, અણિયાળી, રાપર, વાઘપર, પીલુડી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવી જેતપર ખાતે રહીને અભ્યાસ કરેલા જૂના સહાધ્યાયીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ફરી એકત્ર થયા હતા.

આ જૂના મિત્રોના સ્નેહ મિલનનું આયોજન જેતપર નજીક આવેલા રોકડીયા હનુમાન મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. ચાર દાયકાના લાંબા અંતરાલ બાદ પ્રથમ વખત મળેલા મિત્રોએ શાળાકાળની યાદોને તાજી કરી હતી. કિશોરાવસ્થાના સંસ્મરણો, શાળાના સમયના તોફાનો અને શિક્ષકો પાસેથી મળેલી શિસ્તભરી સજાની યાદો વાગોળતા સમગ્ર માહોલ ભાવુક અને આનંદમય બની ગયો હતો.

મિત્રોએ એકબીજાના પરિવાર, વ્યવસાય અને વર્તમાન જીવન વિશે માહિતી મેળવી જૂના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો હતો. કૃષ્ણ-સુદામા જેવી નિસ્વાર્થ મૈત્રી જીવનભર જાળવી રાખવાની નેમ સાથે આગામી વર્ષે સમગ્ર પરિવાર સાથે વધુ એક સ્નેહ મિલન યોજવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.

સ્નેહ મિલન દરમિયાન તમામ મિત્રોએ સાથે મળીને મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. ત્યારબાદ સૌ મિત્રોએ જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલન સ્થળે પહોંચી ખેડૂતોના આંદોલનને જાહેર સમર્થન આપ્યું હતું.

40 વર્ષ બાદ યોજાયેલા આ સ્નેહ મિલનથી જૂની મિત્રતા ફરી જીવંત બની હતી અને નિવૃત્ત જીવન આનંદ, સંતોષ તથા આત્મીયતા સાથે પસાર કરવા માટે સાચા અને જૂના મિત્રો સૌથી મોટો સથવારો બની શકે છે તેવો સુંદર સંદેશ પણ પ્રસરીત થયો હતો.

મિત્રોએ પરસ્પરના પરિવાર અને વર્તમાન વ્યવસાય-ધંધા વિશે માહિતી મેળવી સંબંધોને વધુ મજબૂત રાખવાનો નિશ્ચય વ્યક્ત કર્યો.

આવતા વર્ષે સમગ્ર પરિવાર સાથે સ્નેહ મિલન રાખવાનું નક્કી કરવામાં આવ્યું અને કાર્યક્રમ અંતે સૌએ સાથે મળી મહાપ્રસાદ ગ્રહણ કર્યો.



















