
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે 1947ના ભાગલા બાદ લગભગ આઠ દાયકા વીતી ગયા હોવા છતાં બંને દેશો વચ્ચેનો અવિશ્વાસ અને દુશ્મનાવટ હજુ પણ ઊંડી છે. પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા ફેબ્રુઆરીથી મે 2026 દરમિયાન દક્ષિણ એશિયામાં કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું છે કે ભારત અને પાકિસ્તાનના મોટા ભાગના લોકો એકબીજાને પોતાના દેશ માટે સૌથી મોટો ભૂરાજકીય ખતરો માને છે.

સર્વે અનુસાર, ભારતમાં 54 ટકા લોકોએ પાકિસ્તાનને દેશ માટેનો સૌથી મોટો ખતરો ગણાવ્યો હતો. જ્યારે પાકિસ્તાનમાં 43 ટકા લોકોએ ભારતને પોતાના દેશ માટેનો સૌથી મોટો સુરક્ષા ખતરો ગણાવ્યો હતો. ભારતમાં પાકિસ્તાન બાદ ચીન 21 ટકા સાથે બીજા ક્રમે છે. બીજી તરફ પાકિસ્તાનમાં ઇઝરાયેલ અને અમેરિકા બંનેને 24-24 ટકા લોકોએ મોટા ખતરા તરીકે ગણાવ્યા છે.

બંને દેશોના લોકોમાં એકબીજા પ્રત્યે નકારાત્મક અભિપ્રાય પણ અત્યંત ઊંચો જોવા મળ્યો છે. પાકિસ્તાનમાં લગભગ 90 ટકા લોકો ભારત પ્રત્યે નકારાત્મક અભિપ્રાય ધરાવે છે, જેમાં 73 ટકા લોકોનો અભિપ્રાય ‘ખૂબ નકારાત્મક’ છે. ભારતમાં 78 ટકા લોકો પાકિસ્તાન પ્રત્યે નકારાત્મક અભિપ્રાય ધરાવે છે, જેમાં 65 ટકા લોકોએ પાકિસ્તાન અંગે ‘ખૂબ નકારાત્મક’ મત વ્યક્ત કર્યો છે.

સર્વેમાં સૌથી મહત્વની બાબત બંને દેશો વચ્ચેના વિશ્વાસના અભાવને ગણાવવામાં આવી છે. ભારતના મોટાભાગના લોકો માને છે કે ભારત સરકાર અને ભારતીય જનતા પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છે છે, પરંતુ તેઓ પાકિસ્તાન સરકાર અને ત્યાંની જનતા અંગે આવું માનતા નથી. પાકિસ્તાનમાં પણ પરિસ્થિતિ આ જ પ્રકારની છે. ત્યાંના લોકો પોતાના દેશને સારા સંબંધો માટે પ્રતિબદ્ધ માને છે, જ્યારે ભારતની ઇચ્છા અંગે શંકા વ્યક્ત કરે છે.

ભારત-પાકિસ્તાનના સંબંધોની તુલના બાંગ્લાદેશ અને શ્રીલંકા સાથે કરવામાં આવે તો પણ મોટો તફાવત જોવા મળે છે. શ્રીલંકામાં 79 ટકા લોકો ભારત અંગે સકારાત્મક અભિપ્રાય ધરાવે છે, જ્યારે બાંગ્લાદેશમાં ભારત માટે 42 ટકા સકારાત્મક અભિપ્રાય નોંધાયો છે. પાકિસ્તાનમાં ભારત અંગે સકારાત્મક અભિપ્રાય માત્ર 7 ટકા રહ્યો છે. બીજી તરફ પાકિસ્તાન અંગે શ્રીલંકામાં 57 ટકા અને બાંગ્લાદેશમાં 54 ટકા લોકોનો અભિપ્રાય સકારાત્મક છે, જ્યારે ભારતમાં માત્ર 8 ટકા લોકો પાકિસ્તાન અંગે સકારાત્મક અભિપ્રાય ધરાવે છે.

વિશ્વના અન્ય દેશો અંગે બંને દેશોની વિચારસરણીમાં પણ મોટો તફાવત જોવા મળે છે. ભારતમાં રશિયા સૌથી મહત્વપૂર્ણ સાથી તરીકે સૌથી વધુ પસંદ કરવામાં આવ્યો છે. 36 ટકા ભારતીયોએ રશિયાને સૌથી મહત્વપૂર્ણ સાથી ગણાવ્યો છે, જ્યારે 16 ટકા લોકોએ અમેરિકાનું નામ આપ્યું છે. બીજી તરફ પાકિસ્તાનમાં 75 ટકા લોકો ચીનને પોતાના દેશનો સૌથી મહત્વપૂર્ણ સાથી માને છે. પાકિસ્તાનમાં 90 ટકા લોકો ચીન અંગે સકારાત્મક અભિપ્રાય ધરાવે છે અને 83 ટકા લોકો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અંગે વિશ્વાસ વ્યક્ત કરે છે.

સર્વેનું સૌથી ગંભીર તારણ એ છે કે લગભગ 80 વર્ષ બાદ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની હરીફાઈ માત્ર સરકારો, સૈન્ય અને વિદેશ નીતિ સુધી મર્યાદિત નથી રહી, પરંતુ સામાન્ય લોકોની વિચારસરણીમાં પણ ઊંડે સુધી પ્રવેશી ગઈ છે. બંને દેશોના લોકો મોટા પ્રમાણમાં માને છે કે તેમનો પોતાનો દેશ સારા સંબંધો ઇચ્છે છે, પરંતુ સામેનો દેશ તેના માટે તૈયાર નથી.

આ પરસ્પર અવિશ્વાસ જ બંને પરમાણુ શક્તિ ધરાવતા પડોશી દેશો વચ્ચે સંબંધો સુધારવામાં સૌથી મોટો અવરોધ બની રહ્યો છે. દાયકાઓના સંઘર્ષ, અલગ-અલગ રાષ્ટ્રીય વિચારધારા અને ભૂરાજકીય હરીફાઈએ બંને દેશોની જનમાનસમાં એકબીજા અંગે ઊંડી શંકા અને નકારાત્મકતા ઊભી કરી છે.

















