HomeAllમોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડત રંગ લાવી: વીમા કંપનીને રૂ.8 લાખ ચૂકવવાનો...

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડત રંગ લાવી: વીમા કંપનીને રૂ.8 લાખ ચૂકવવાનો કોર્ટનો આદેશ

મોરબી: ટંકારા તાલુકાના ઓટાળા ગામના વતની કેતનભાઈ મણિલાલ દેસાઈના પુત્રની તાવની બીમારી દરમિયાન સારવાર પાછળ આશરે રૂ.8 લાખનો ખર્ચ થયો હતો. પરિવાર પાસે કેર હેલ્થ ઈન્સ્યોરન્સની મેડિકલ વીમા પોલિસી હોવા છતાં વીમા કંપની દ્વારા ક્લેમ નામંજૂર કરવામાં આવતા મામલો ગ્રાહક સુરક્ષા મંડળ સુધી પહોંચ્યો હતો.

મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક તરફથી ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન ગ્રાહક પાસે માન્ય મેડિકલ પોલિસી હોવાનું અને પોલિસીનું પ્રીમિયમ પણ ભરવામાં આવ્યું હોવાનું રજૂ કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, કેતનભાઈના પુત્રને તાવ આવતા સપ્ટેમ્બર 2024 દરમિયાન મોરબીની વેદાંત હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ તબિયતમાં સુધારો ન થતાં મુંબઈની હોસ્પિટલમાં પણ સારવાર કરાવવામાં આવી હતી. સારવાર બાદ ફરી તાવ આવતા રાજકોટ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સમગ્ર સારવાર દરમિયાન પરિવારને આશરે રૂ.8 લાખનો ખર્ચ થયો હતો.

આ સારવારનો વીમા ક્લેમ કંપની સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ વીમા કંપનીએ રિપ્યુડિએશન લેટર મારફતે ક્લેમ નામંજૂર કરી બીમારીને પોલિસીની શરતો હેઠળ આવરી લેવામાં આવતી ન હોવાનું જણાવ્યું હતું. જેના પગલે ગ્રાહક તરફથી ગ્રાહક અદાલતમાં દાદ માંગવામાં આવી હતી.

કેસની સુનાવણી દરમિયાન નામદાર ગ્રાહક અદાલતે વીમા કંપનીની દલીલોને માન્ય ન રાખી હતી અને ગ્રાહક પાસે મેડિકલ પોલિસી માન્ય હોવાનું તેમજ તેનું પ્રીમિયમ ભરવામાં આવ્યું હોવાનું ધ્યાનમાં લીધું હતું. અદાલતે વીમા કંપનીને ગ્રાહકને રૂ.8,00,000ની રકમ તા.20-04-2025થી ચૂકવવા તેમજ રૂ.5,000 કેસ ખર્ચ પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે.

મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે જણાવ્યું છે કે ગ્રાહકને કોઈપણ જગ્યાએ અન્યાય થાય ત્યારે પોતાના હિત અને હક્ક માટે કાયદેસરની લડત લડવી જોઈએ. ગ્રાહકોને પણ પોતાના અધિકારો અંગે જાગૃત રહી અન્યાય થાય તો ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments