HomeAllમોરબી: પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળસંસદની ચૂંટણી યોજાઈ

મોરબી: પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળસંસદની ચૂંટણી યોજાઈ

મોરબી: જેલ રોડ નજીક આવેલી પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં ધોરણ 3 થી 8ના કુલ 147 વિદ્યાર્થીઓને આવરી લઈને બાળસંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાની દૈનિક પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને પ્રતિનિધિત્વની જવાબદારી સોંપવાના હેતુથી યોજાયેલી આ ચૂંટણીમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

બાળસંસદની ચૂંટણી બાદ વિવિધ સમિતિઓનું ગઠન કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા દ્વારા બાળકોને લોકશાહી, મતદાન, પ્રતિનિધિત્વ અને જવાબદારી જેવા મહત્વપૂર્ણ મૂલ્યોનો પ્રાયોગિક પરિચય કરાવવામાં આવ્યો હતો.

સામાજિક વિજ્ઞાનના શિક્ષક હિતેશભાઈ બરાસરાના માર્ગદર્શન હેઠળ શાળાના સમગ્ર સ્ટાફના સહયોગથી ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી પૂર્વે બાળકોએ મતદાર યાદી, મતદાન માટેના જરૂરી કાગળો, મતકુટીર સહિતની જરૂરી સામગ્રી જાતે તૈયાર કરી હતી. વિદ્યાર્થીઓએ ચૂંટણી અધિકારી તરીકેની ભૂમિકા પણ ભજવી સમગ્ર પ્રક્રિયાને પ્રાયોગિક રીતે સમજી હતી.

ચૂંટણી દરમિયાન વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ મતદાન કરી લોકશાહી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં નેતૃત્વ ક્ષમતા, નિર્ણય લેવાની શક્તિ, જવાબદારીની ભાવના અને ઉત્તમ નાગરિક બનવાના ગુણો વિકસાવવામાં મદદ મળશે.

નવી શિક્ષણનીતિના હેતુઓને અનુરૂપ આ પ્રકારની પ્રાયોગિક પ્રવૃત્તિ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ બની રહેશે. શાળાના આચાર્ય ડેનિશભાઈ કાનાબાર તથા સીઆરસી કૉર્ડિનેટર શૈલેષભાઈ કાલરીયાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments