
મોરબી: મોરબી શહેરમાં આજે પડેલા સામાન્ય વરસાદ બાદ શહેરના જૂના બસ સ્ટેન્ડની સ્થિતિ ફરી એકવાર સામે આવી છે. બસ સ્ટેન્ડના પ્રવેશદ્વાર અને આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ જતા સમગ્ર વિસ્તાર જાણે તળાવમાં ફેરવાઈ ગયો હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.

જૂના બસ સ્ટેન્ડ ખાતે પાણી ભરાતા બસમાં આવન-જાવન કરતા મુસાફરો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બસ સ્ટેન્ડ પર પહોંચવા માટે મુસાફરોને ભરાયેલા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી, જ્યારે વાહનચાલકોને પણ પાણીમાંથી વાહન પસાર કરવામાં મુશ્કેલી પડી હતી.

ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં ન આવે તો સામાન્ય વરસાદમાં પણ બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે. મોરબીના જૂના બસ સ્ટેન્ડમાં વારંવાર સર્જાતી પાણી ભરાવાની સમસ્યાને લઈ કાયમી ઉકેલ લાવવાની જરૂરિયાત ઉભી થઈ છે.

સ્થાનિકો અને મુસાફરો દ્વારા વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ઉભી કરવા તેમજ બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા તંત્ર સમક્ષ માંગ ઉઠી છે.





















