મંત્રી કાંતિલાલ અમૃતિયા અને સંસ્કૃત બોર્ડના ચેરમેનની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન – વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષામાં નાટકો અને વિવિધ કૃતિઓ રજૂ કરી

મોરબી : ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા મોરબીની જાણીતી શૈક્ષણિક સંસ્થા સાર્થક વિદ્યામંદિર ખાતે નવનિર્મિત ‘સંસ્કૃત કક્ષ’ના ભવ્ય ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃત ભાષા અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિના સંવર્ધનના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયા, સંસ્કૃત બોર્ડના ચેરમેન તથા સંસ્કૃતપ્રેમી મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રસંગે સવારે 8થી 11 વાગ્યા દરમિયાન શાળાના સભાખંડમાં સંસ્કૃતમય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વિદ્યાર્થીઓએ ભારતનો ભવ્ય વારસો, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, ભરતમુનિનું નાટ્યશાસ્ત્ર તેમજ ‘વિજ્ઞાનની વિરાસતમાં સંસ્કૃતનું પ્રદાન’ જેવા વિષયો પર સંસ્કૃત ભાષામાં નાટકો અને વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

કાર્યક્રમ દરમિયાન સંસ્કૃત ક્રીડાઓ, કથા, રોજિંદા વ્યવહારમાં વપરાતા સંસ્કૃત શબ્દોનું ચિત્ર નિરૂપણ, સુભાષિત, શ્લોક તેમજ ગીતા કંઠસ્થીકરણ પ્રકલ્પની પણ સુંદર રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત ભાષાના જ્ઞાનને રસપ્રદ અને સરળ રીતે રજૂ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ સવારે 11 વાગ્યે ઓડિટોરિયમ ખાતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે ‘સંસ્કૃત કક્ષ’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ બાદ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિશેષ સંસ્કૃત પ્રદર્શની તેમજ સંસ્કૃત કક્ષની મુલાકાત માટે વ્યવસ્થા કરવામાં આવી હતી, જે સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવી હતી.

પ્રદર્શનમાં સરળ પાઠ્ય બિંદુઓ અને પ્રાયોગિક પ્રવૃત્તિઓ દ્વારા લાઈવ સંસ્કૃત શીખવાની વિવિધ પદ્ધતિઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રસ અને પ્રાચીન ભારતીય જ્ઞાનપરંપરા પ્રત્યે ગૌરવની ભાવના વિકસાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર ગરિમાપૂર્ણ આયોજનને સફળ બનાવવા સાર્થક વિદ્યામંદિર પરિવાર દ્વારા અથાગ મહેનત અને સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું.



















