
શ્રાવણના: પ્રથમ સોમવારે મોરબી સહીત ગુજરાતભરના શિવ મંદિરોમાં ભક્તોની ભીડ. સોમનાથ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, ભવનાથમાં હર હર મહાદેવનો નાદ. વહેલી સવારથી પદયાત્રા કરી ભક્તોએ મહાદેવના દર્શન કર્યા. ચુસ્ત સુરક્ષા, ઝીગઝેગ વ્યવસ્થાથી દર્શન શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત રીતે સંપન્ન.

આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સમગ્ર ગુજરાત શિવમય બન્યું છે. સોમનાથ, જૂનાગઢ, અમદાવાદ, સુરત, રાજકોટ અને મોરબી સહીત રાજ્યભરના મહાદેવ મંદિરોમાં વહેલી સવારથી જ શિવભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. ‘હર હર મહાદેવ’ અને ‘જય ભોલેનાથ’ના નાદથી તમામ મંદિરો ગુંજી ઉઠ્યા છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે ભક્તોનું ઘોડાપૂર

શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું. વહેલી સવારથી જ સોમનાથ મંદિરમાં શિવભક્તોની લાંબી કતારો જોવા મળી. મહાદેવની દિવ્ય પ્રાતઃ આરતીના દર્શન કરીને હજારો ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. સતત ચાલતી દર્શનની કતારો વચ્ચે સમગ્ર મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.આ પણ વાંચો.

ચુસ્ત સુરક્ષા અને સઘન દર્શન વ્યવસ્થા: મંદિર પરિસરમાં ભીડનું સંચાલન સરળ બને અને દર્શનાર્થીઓને લાંબા સમય સુધી અવ્યવસ્થિત રીતે ઊભા રહેવું ન પડે તે માટે ઝીગઝેગ લાઈન વ્યવસ્થાનું સઘન પાલન કરાવવામાં આવ્યું હતું. પરિણામે મોટી સંખ્યામાં ભક્તોની હાજરી હોવા છતાં દર્શન વ્યવસ્થા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રહી હતી.ભવનાથ તળેટીમાં ભક્તિનો માહોલ

આ તરફ જુનાગઢ ખાતે આવેલી પ્રસિદ્ધ ભવનાથ તળેટી પણ શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તિના રંગે રંગાઈ. વહેલી સવારથી જ ભવનાથ મહાદેવના દર્શનાર્થે ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. ‘હર હર’ ના નાદ અને ભક્તિમય માહોલ વચ્ચે ભાવિકોએ દાદા ભવનાથના શિશ નમાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.નાગેશ્વર જ્યોતિર્લિંગમાં શિવભક્તોનું ઘોડાપૂર

યાત્રાધામ દ્વારકાથી 16 કિલોમીટર દૂર આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગમાં ભક્તોની ભીડ ઉમટી. વહેલી સવારથી જ શિવભક્તો મહાદેવના પૂજન-અર્ચન અને દિવ્ય દર્શન માટે નાગેશ્વર ધામ પહોંચી રહ્યા છે.

પદયાત્રા કરી મંદિરે પહોંચ્યા ભાવીકો: શ્રાવણના પ્રથમ દિવસે ભગવાન ભોળાનાથના આશીર્વાદ મેળવવા માટે ગઈ કાલ રાત્રિથી જ ભક્તો દ્વારકા, મીઠાપુર અને ઓખાથી ચાલીને નાગેશ્વર જવા રવાના થયા હતા. વહેલી સવારે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ મંગલા આરતી તેમજ મહાદેવના ખાસ અભિષેક અને જળાભિષેક માટે ભાવિકોની લાંબી લાઈનો જોવા મળી હતી.


















