મોરબીના સિરામિક ઉદ્યોગની હાલત દિવસેને દિવસે બદતર થઈ રહી છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે હાલ આ ઉદ્યોગ જીવન-મરણ વચ્ચે જોલા ખાતો હોય તેવી સ્થિતિમાં પહોંચ્યો છે.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં સિરામિક ઉદ્યોગની નિકાસમાં 70 ટકાનો કડાકો બોલ્યો છે. નિકાસમાં પડેલા મોટા ફ્ટકાની અસર લોકલ માર્કેટ ઉપર પણ હવે દેખાવા લાગી છે. ગેસની અછત, આસમાને પહોંચેલા ઇંધણના ભાવ, વધતો ફ્રેઈટ ખર્ચ, કન્ટેનરની શોર્ટેજ અને વિદેશી બજારોમાં લાદવામાં આવેલી એન્ટી-ડમ્પિંગ ડયુટી જેવા પરિબળોએ મોરબીના સિરામિક ઉદ્યોગને ચારેતરફ્થી ઘેરી લીધો છે. પરિણામે, આ ઉદ્યોગ દબાણ અને અસ્તિત્વ ટકાવવાના સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યો છે. નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલ-જૂન)માં સિરામિક નિકાસમાં અગાઉના વર્ષની સરખામણીમાં આશરે 70% જેટલો જંગી ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે એપ્રિલ-જૂનમાં 616.78 મિલિયન ડોલર (લગભગ 5200 કરોડ)ની નિકાસ થઈ હતી, જે આ વર્ષે ઘટીને 184.19 મિલિયન ડોલર (લગભગ 1700 કરોડ) રહી ગઈ છે.

અમેરિકામાં નિકાસ 53.28 મિલિયન ડોલર (આશરે 447 કરોડ) થી ઘટીને 16.04 મિલિયન ડોલર (આશરે 134 કરોડ) થઈ છે. ઈરાકમાં સૌથી મોટો 98.2%નો ઘટાડો નોંધાયો છે,UAEમાં નિકાસ 40.87 મિલિયન ડોલર (આશરે 343 કરોડ)થી ઘટીને 5.52 મિલિયન ડોલર રહી છે. રશિયામાં પણ 93.01 મિલિયન ડોલરથી ઘટીને 15.34 મિલિયન ડોલરની નિકાસ નોંધાઈ છે. દેશના કુલ ટાઈલ્સ ઉત્પાદન અને નિકાસમાં 90% હિસ્સો ધરાવતા મોરબીમાં આશરે 900 જેટલા સિરામિક એકમો કાર્યરત છે અને તેની સાથે 9 લખથી વધુ લોકોની રોજગારી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલી છે. હાલમાં ટાઈલ્સની અછત હોવાથી થોડી રાહત મળી છે અને ખરીદદારોએ વધેલા ભાવ સ્વીકાર્યા છે,

પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા કરવી અત્યંત કઠિન બન્યું છે. જો લાંબા સમય સુધી આ મંદી અને પડકારો ચાલુ રહેશે તો સમગ્ર સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે. આથી, આગામી સમયમાં ઉદ્યોગકારો રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે સસ્તા તેમજ સ્થિર ભાવે ગેસ સપ્લાય અને એન્ટી-ડમ્પિંગ મુદ્દે મજબૂત રજૂઆત કરી રાહત પેકેજની માંગ કરે તેવી પૂરી શક્યતા છે.






















