
મોરબી: મોરબી મહાનગરપાલિકા દ્વારા 77મા વન મહોત્સવની ઉજવણી નિમિત્તે શનાળા ગામના પટેલ સમાજ વાડી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. મેયર ઉત્તમ સુરાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીઓ અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વન મહોત્સવ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ અને મોરબીને વધુ હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ નાગરિકોને પણ વધુમાં વધુ વૃક્ષો વાવવા તેમજ વાવેલા વૃક્ષોની જવાબદારીપૂર્વક જાળવણી કરવા અપીલ કરી હતી.

મેયર ઉત્તમ સુરાણીએ જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણમાં થતા સતત ફેરફારોને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હરિયાળી વધારવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભડીયાદ રોડ ઉપર આશરે 6.5 એકર જમીનમાં મિયાવાકી ફોરેસ્ટ વિકસાવવામાં આવશે, જ્યાં અંદાજે 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.

મિયાવાકી પદ્ધતિથી વિકસાવવામાં આવનાર આ ફોરેસ્ટના કારણે મોરબી શહેરમાં હરિયાળો વિસ્તાર વધવાની સાથે પર્યાવરણને પણ લાંબા ગાળે લાભ મળશે. મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ બાદ વૃક્ષોના જતન અને સંવર્ધન પર પણ વિશેષ ભાર મૂકવામાં આવશે.

કેન્દ્ર સરકારના “એક પેડ માં કે નામ 3.0” અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે મોરબીમાં પણ નાગરિકોની ભાગીદારી સાથે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય અને તેનું જતન થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

કાર્યક્રમમાં જયંતિભાઈ પડસુંબિયા, ચિરાગભાઈ રાણપરા, જયેશભાઈ દેસાઈ, અર્પિતબા જાડેજા, ગણેશભાઈ ડાભી, પૂનમબેન આગેચાણિયા, નુતનબેન વિડજા સહિતના ચૂંટાયેલા સભ્યો તેમજ મહાનગરપાલિકા કમિશનર સંગીતા રૈયાણી, ધ્રાંગધ્રા ઘુડખર અભ્યારણના નાયબ વન રક્ષક બી.એમ. પટેલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



















