મોંઘા ભાવે પાણીના ટેન્કર મંગાવવા મજબૂર, એક ટેન્કર પાછળ રૂ. 3થી 5 હજારનો ખર્ચ

મોરબી તાલુકાના ઘુંટુ ગામમાં વરસાદના કારણે આસપાસના જળસ્રોતોમાં પાણીની આવક થઈ હોવા છતાં આશરે 900 જેટલા શ્રમિક પરિવારો પીવાના પાણી માટે પરેશાન છે. પાણીની નિયમિત સુવિધા ઉપલબ્ધ ન હોવાથી સ્થાનિકોને મોંઘા ભાવે પાણીના ટેન્કર મંગાવીને ઘરવપરાશની જરૂરિયાત પૂરી કરવાની ફરજ પડી રહી છે.


સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, એક ટેન્કર માટે રૂ. 3 હજારથી રૂ. 5 હજાર સુધીનો ખર્ચ થાય છે. શ્રમિક પરિવારો માટે રોજિંદા જીવનમાં પાણી મેળવવા આટલો મોટો ખર્ચ કરવો મુશ્કેલ બન્યો છે. પાણી માટે ટેન્કર પર નિર્ભર રહેવાની સ્થિતિના કારણે સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

ઘુંટુ ગામની સંબંધિત સોસાયટીમાં આશરે 16 વર્ષ પહેલાં મકાનોનું નિર્માણ થયું હોવા છતાં આજદિન સુધી પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓનો કાયમી ઉકેલ આવ્યો નથી. સ્થાનિકો દ્વારા અનેક વખત તંત્ર અને શાસકો સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાણીની સમસ્યા યથાવત્ રહેતા રહીશોમાં નારાજગી ફેલાઈ છે.

પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોએ અગાઉ નવતર વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા. તેમ છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા લોકો ફરીથી તંત્રનું ધ્યાન દોરવા મજબૂર બન્યા છે. એક તરફ ચોમાસામાં વરસાદી પાણીથી નદી-નાળા અને જળાશયો ભરાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ ઘુંટુ ગામના 900 જેટલા પરિવારોને પીવાના પાણી માટે ટેન્કર મંગાવવું પડે તે વિરોધાભાસી સ્થિતિ જોવા મળી રહી છે.

સ્થાનિકોએ તંત્ર સમક્ષ ઘુંટુ ગામમાં નિયમિત અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે તેવી કાયમી વ્યવસ્થા તાત્કાલિક ઊભી કરવાની માંગ કરી છે.




















