લાલબાગથી મહેન્દ્રનગર સુધી ૪૫ લારીઓ સામે કાર્યવાહી, દુકાનદારોના ગેરકાયદે મૂકેલા બોર્ડ-સામાન જપ્ત

મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વકરતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ તેમજ જાહેર માર્ગો પરના ગેરકાયદે દબાણો દૂર કરવા માટે દબાણ હટાવ ઝુંબેશને વધુ વેગવંતી બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે સામાકાંઠા વિસ્તારમાં લાલબાગથી મહેન્દ્રનગર સુધી મહાનગરપાલિકાની ટીમ દ્વારા સઘન દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.


મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાની ટીમ દ્વારા લાલબાગથી મહેન્દ્રનગર ગામ સુધીના મુખ્ય માર્ગો પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ મેગા ડ્રાઇવ દરમિયાન ફૂટપાથ તેમજ જાહેર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ રીતે ઉભી રાખવામાં આવેલી આશરે ૪૫ લારીઓ સામે કાર્યવાહી કરી તેમને હટાવવામાં આવી હતી.

આ ઉપરાંત દુકાનદારો દ્વારા પોતાની દુકાનની હદ બહાર મૂકવામાં આવેલા બોર્ડ, ખાટલા તેમજ અન્ય સામાનને પણ મહાનગરપાલિકાની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. જાહેર માર્ગો અને ફૂટપાથ દબાણમુક્ત થતાં રાહદારીઓ તેમજ વાહનચાલકોને સરળતાથી અવરજવર થઈ શકે તે માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

મહાનગરપાલિકા દ્વારા અગાઉના દિવસે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મોરબીના વ્યસ્ત રવાપર રોડ પર ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરી જવાબદાર દુકાનદારો પાસેથી રૂ. ૨,૦૦૦નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો.

મહાનગરપાલિકાની આ કડક કાર્યવાહીથી જાહેર માર્ગો પર ગેરકાયદે દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ બનાવવા અને જાહેર માર્ગોને દબાણમુક્ત રાખવા માટે આવી કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવે તેવી જાગૃત નાગરિકોમાંથી માંગ ઉઠી રહી છે.




















