
રાજકોટ: છેલ્લા એક મહિનાથી ખાંડના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખાંડના ભાવમાં અચાનક આવેલા ઉછાળાને કારણે વેપારીઓની સાથે ગ્રાહકો પર પણ તેની અસર જોવા મળી રહી છે. રાજકોટના વેપારીઓના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વરસાદની અછત, તેમજ શેરડીનો મોટો જથ્થો ઇથેનોલના ઉત્પાદન તરફ વળવાના કારણે ખાંડના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. હાલની સ્થિતિ આગામી બે મહિના સુધી યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટની દાણાપીઠમાં ખાંડનો વેપાર કરતા ઉપેનકુમાર કોટેચાએ જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનામાં ખાંડના ભાવમાં ઘણો વધારો થયો છે.


અગાઉ જે ખાંડનો ભાવ પ્રતિ કિલો આશરે 45 રૂપિયા હતો, તે હવે વધીને 70 રૂપિયા સુધી પહોંચી ગયો છે. એટલે કે એક કિલો ખાંડના ભાવમાં સીધો 25 રૂપિયાનો વધારો થયો છે. તેમણે જણાવ્યું હતું કે ખાંડના ભાવમાં વધારો થવા પાછળ મુખ્યત્વે બે કારણો જવાબદાર છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક દેશના મહત્વના શેરડી ઉત્પાદક વિસ્તારો છે, પરંતુ આ વિસ્તારોમાં હાલમાં વરસાદ ઓછો થયો છે. વરસાદની અછતના કારણે શેરડીના ઉત્પાદન પર અસર થવાની શક્યતા છે.

બીજી તરફ, શેરડીનો મોટો હિસ્સો ખાંડના ઉત્પાદનને બદલે ઇથેનોલના ઉત્પાદન તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તેના કારણે આ વર્ષે આશરે 25 લાખ ટન ખાંડનું ઉત્પાદન ઓછું થયું હોવાનું વેપારીનું કહેવું છે. ઉત્પાદન ઓછું અને બજારમાં માંગ યથાવત રહેતાં ખાંડના ભાવમાં વધારો થયો છે. ઉપેનકુમાર કોટેચાના જણાવ્યા પ્રમાણે હાલ ભાવમાં થયેલો વધારો આગામી બે મહિના સુધીનો પ્રશ્ન છે. નવો શેરડીનો પાક બજારમાં આવ્યા બાદ ખાંડના ભાવની વાસ્તવિક સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.

જોકે દિવાળી સુધી હાલના ઊંચા ભાવ યથાવત રહેવાની શક્યતા છે. એટલું જ નહીં, તહેવારો નજીક આવતા ખાંડની માંગમાં વધારો થવાથી ભાવમાં હજુ પણ વધારો થઈ શકે છે. હાલ ખાંડ મોંઘી થતાં બજારમાં તેની માંગ પણ મર્યાદિત થઈ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. સામાન્ય દિવસોની સરખામણીએ ગ્રાહકો ખરીદીમાં સાવચેતી રાખી રહ્યા છે. જોકે તહેવારોની સિઝન શરૂ થતાં મીઠાઈ, ફરસાણ અને અન્ય ખાદ્ય ચીજોના ઉત્પાદનમાં ખાંડની જરૂરિયાત વધશે.

જેના કારણે બજારમાં માંગ વધવાની શક્યતા છે. વેપારીઓનું માનવું છે કે વરસાદની સ્થિતિ, શેરડીનું ઉત્પાદન, ઇથેનોલ માટે શેરડીની ફાળવણી અને નવા પાકની આવક જેવા પરિબળો આગામી દિવસોમાં ખાંડના ભાવની દિશા નક્કી કરશે. હાલ તો ખાંડના ભાવમાં થયેલા વધારાથી સામાન્ય ગ્રાહકોના બજેટ પર અસર પડી રહી છે અને દિવાળી સુધીમાં ખાંડ વધુ મોંઘી થવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.




















