HomeAllમોરબી માર્કેટિંગ યાર્ડમાં દિવાળી પર્વ નિમિત્તે ૯ દિવસનું મીની વેકેશન જાહેર

મોરબી માર્કેટિંગ યાર્ડમાં દિવાળી પર્વ નિમિત્તે ૯ દિવસનું મીની વેકેશન જાહેર

૫ થી ૧૩ નવેમ્બર સુધી અનાજ વિભાગના તમામ કામકાજ અને હરાજી રહેશે બંધ, લાભ પાંચમથી કામગીરી રાબેતા મુજબ શરૂ થશે

મોરબી: દિવાળીના તહેવારને અનુલક્ષીને મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા મોરબી માર્કેટિંગ યાર્ડમાં નવ દિવસની સળંગ રજાઓ જાહેર કરવામાં આવી છે. આગામી તા. ૫ નવેમ્બરથી તા. ૧૩ નવેમ્બર સુધી યાર્ડના અનાજ વિભાગમાં તમામ પ્રકારના કામકાજ તેમજ હરાજી બંધ રહેશે. દિવાળી પર્વની રજાઓ પૂર્ણ થયા બાદ તા. ૧૪ નવેમ્બર, શનિવારના રોજ લાભ પાંચમના પવિત્ર દિવસથી યાર્ડની કામગીરી ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

માર્કેટિંગ યાર્ડ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક અનુસાર તા. ૪ નવેમ્બરના રોજ સવારે ૯ વાગ્યા સુધી જ નવી જણસીની ઉતરાઈ કરવામાં આવશે. જ્યારે તા. ૫ નવેમ્બરના રોજ માત્ર પડતર માલની હરાજી કરવામાં આવશે. ત્યારબાદ તા. ૫ થી ૧૩ નવેમ્બર દરમિયાન યાર્ડમાં કોઈપણ પ્રકારની જણસી ઉતારવા પર પ્રતિબંધ રહેશે. આ સમયગાળા દરમિયાન ખેડૂતોને પોતાની જણસી યાર્ડમાં ન લાવવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.

યાર્ડના વેપારીઓને પણ ખરીદેલો માલ શેડ પરથી સમયસર ઉપાડી લેવા સૂચના આપવામાં આવી છે. રજાઓના અંતિમ દિવસે તા. ૧૩ નવેમ્બરના રોજ સાંજે ૪ વાગ્યા બાદ જણસીની ઉતરાઈ માટે યાર્ડ ફરીથી ખોલવામાં આવશે. ત્યારબાદ તા. ૧૪ નવેમ્બર, શનિવારના રોજ લાભ પાંચમથી હરાજી સહિતના તમામ કામકાજ વિધિવત રીતે પુનઃ શરૂ થશે.

માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતો અને એજન્ટોને જાહેર કરાયેલા રજાના સમયપત્રકની નોંધ લેવા તેમજ ખેડૂતોને અગાઉથી આ અંગે જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી દિવાળીના તહેવાર દરમિયાન કોઈને અસુવિધા ન થાય.

RELATED ARTICLES

Most Popular

Recent Comments