
મોરબી: જિલ્લામાં ખેડૂતોની જમીનમાં વીજ લાઈનના થાંભલા નાખવા અને વળતર મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવેદન સામે તેમના જ સગા ભાઈ રાકેશભાઈ અમૃતિયા (કારુભાઈ)એ સણસણતો જવાબ આપ્યો છે. એક વીડિયો મારફતે તેમણે ખેડૂતોને એક થાંભલા માટે રૂ. 70થી 80 લાખ સુધીનું વળતર મળતું હોવાના દાવાને નકારી કાઢ્યો છે.


વળતરની રકમ અંગે સવાલ ઉઠાવતા કારુભાઈએ જણાવ્યું કે, મંત્રી અને કલેક્ટર દ્વારા ખેડૂતોને રૂ. 70થી 80 લાખ આપવાની વાત કરવામાં આવી રહી છે, પરંતુ જમીની હકીકત અલગ છે. કોઈ ખેડૂતને આટલી રકમ મળી હોવાનું તેમણે જણાવ્યું નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ખેડૂતોને માત્ર નાણાં નહીં પરંતુ જમીનની વાસ્તવિક કિંમત પ્રમાણે યોગ્ય વળતર જોઈએ છે.

કારુભાઈએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, “અમારે 70 કે 80 લાખ રૂપિયા નથી જોતા, અમારે બજાર કિંમતના ચાર ગણા જોઈએ છે. જો આપવા હોય તો આપી જાવ, નહિતર તમારા થાંભલા બીજા રાજ્યમાં લઈ જાવ. અમારા ખેતીની શું કામ પથારી ફેરવો છો?”

ખેતરોમાં વીજ લાઈન અને થાંભલા નાખવાથી ખેડૂતોને થનારા લાંબા ગાળાના નુકસાન અંગે તેમણે પોતાની 25 વીઘા તેમજ અન્ય ખેડૂતોની આશરે 50 વીઘા જમીનનો દાખલો આપ્યો હતો. તેમના જણાવ્યા મુજબ ખેતરમાં થાંભલા અને વીજ તાર આવી જવાથી ખેતીની કામગીરી પર અસર પડે છે અને આવી જમીનનું ભવિષ્યમાં વેચાણ કરવું પણ મુશ્કેલ બની શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક થાંભલા માટે કરોડો રૂપિયાનું વળતર આપવામાં આવે તો પણ જમીન પર થતું કાયમી નુકસાન દૂર થતું નથી. ખેડૂતોની જમીન, ખેતી અને ભવિષ્યના હિતોને ધ્યાનમાં લીધા વિના માત્ર વળતરની રકમની વાત કરવી યોગ્ય નથી.

કારુભાઈએ અગાઉ ખેડૂતોની સંમતિ કે યોગ્ય વળતર વિના ખેતરોમાં થાંભલા નાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. સાથે જ સરકાર અને તંત્રને ખેડૂતોને ગેરમાર્ગે દોરતા દાવાઓ બંધ કરવાની તાકીદ કરી હતી.

ખેતરોમાં વીજ લાઈન નાખવા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કારુભાઈએ મક્કમ શબ્દોમાં જણાવ્યું કે, “અમે અમારા ખેતરમાં લાઈન કે થાંભલા નાખવા દેશું નહીં. તમારે જ્યાં થાંભલા નાખવા હોય ત્યાં નાખો, પરંતુ અમારા ખેતરમાં નહીં.”

આ નિવેદન બાદ મંત્રીના જ ભાઈ દ્વારા વળતર મુદ્દે જાહેરમાં વ્યક્ત કરવામાં આવેલા વિરોધને કારણે વીજ લાઈનના થાંભલા, ખેડૂતોને મળતા વળતર અને જમીનને થતા કાયમી નુકસાનનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

















