
મોરબી, તા. ૨૪ ઓગસ્ટ : વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ નજીક રતન ટેકરી ઉપર આવેલા પવિત્ર જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આયોજિત ત્રણ દિવસીય લોકમેળાનો રવિવારે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિત રાજકીય, સામાજિક આગેવાનો તથા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં વર્ષોથી શ્રાવણ માસ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્વર મહાદેવનો પ્રાગટ્ય દિવસ હોવાથી અહીં વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. અગાઉ બે દિવસ યોજાતો લોકમેળો હવે ત્રણ દિવસ માટે યોજવામાં આવી રહ્યો છે. મોરબી અને સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ ગુજરાત બહારથી પણ મોટી સંખ્યામાં લોકો લોકમેળાની મુલાકાત લેવા ઉમટી પડે છે.

લોકમેળાના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસ દરમિયાન સમગ્ર ભારતમાં યોજાતા લોકમેળાઓ પૈકી જડેશ્વર દાદાના સાનિધ્યમાં યોજાતો આ મેળો વિશેષ ધાર્મિક અને લોકઆસ્થાનું કેન્દ્ર છે. વર્ષોથી આ મેળો શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય છે અને આજદિન સુધી કોઈ અણબનાવ બન્યો નથી. પરિવાર સાથે મેળાની મુલાકાતે આવતા સૌ કોઈ શાંતિ અને સલામતી સાથે મેળાનો આનંદ માણે તેમજ જડેશ્વર મહાદેવના દર્શન, પૂજન અને પ્રસાદનો લાભ લે તેવી તેમણે અપીલ કરી હતી.

ઉદ્ઘાટન બાદ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા, તેમના પત્ની જ્યોત્સનાબેન અમૃતિયા, પુત્ર પ્રથમ અમૃતિયા, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિત આગેવાનો અને તેમના પરિવારજનોએ લોકમેળામાં વિવિધ રાઈડ્સની મજા માણી હતી. મેળામાં ફજેત, ટોરાટોરા, બ્રેક ડાન્સ, જુદા જુદા પ્રકારના ઝૂલા સહિત અનેક આકર્ષક રાઈડ્સ તેમજ રમકડાં અને અન્ય ચીજવસ્તુઓના સ્ટોલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

જડેશ્વર મહાદેવ મંદિરના મહંત રતિભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, દેવાધિદેવ મહાદેવ ભારતમાં બાર જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન છે અને તેમાં સૌરાષ્ટ્રનું સોમનાથ મહાદેવ મંદિર વિશેષ મહત્વ ધરાવે છે. જડેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયેલા હોવાથી તેનું પણ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ વિશેષ છે.

લઘુ મહંત જિતેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્વર મહાદેવનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે. આ પ્રસંગે વિશેષ પ્રાગટ્યોત્સવ યોજાય છે. જડેશ્વર દાદાની રવાડી મંદિરથી નીકળીને લોકમેળાના મેદાન સુધી આવે છે અને ત્યારબાદ મંદિર ખાતે પૂર્ણ થાય છે. ત્યારપછી જડેશ્વર મહાદેવને વિશેષ શણગાર કરવામાં આવે છે. પ્રાગટ્યોત્સવ નિમિત્તે હજારો શિવભક્તો મંદિર ખાતે દર્શન, પૂજન, ભંડારો તથા મહાપ્રસાદનો લાભ લે છે.

જડેશ્વર મહાદેવના પવિત્ર સાનિધ્યમાં યોજાયેલ લોકમેળો ધાર્મિક આસ્થા, લોકસંસ્કૃતિ અને મનોરંજનનો અનોખો સંગમ બની રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને મેળાપ્રેમીઓ ઉમટી પડે તેવી શક્યતા છે.


















