મોરબી, તા. ૨૪ ઓગસ્ટ – મોરબીના શનાળા ગામે આવેલ નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે શનિવારે સાંજે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયા સહિતના આગેવાનો, સાહિત્યપ્રેમીઓ, કવિઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

સાહિત્ય અને કળાના વારસાને વધુ સમૃદ્ધ બનાવવા તેમજ સ્થાનિક સર્જનાત્મક પ્રતિભાઓને યોગ્ય મંચ મળી રહે તે હેતુથી આયોજિત આ કવિ સંમેલનમાં કવિઓએ પોતાની સ્વરચિત અને મૌલિક રચનાઓ રજૂ કરી હતી. કવિઓની એકથી એક ચડિયાતી કૃતિઓને ઉપસ્થિત શ્રોતાઓએ દાદ આપી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.

આ કાર્યક્રમ સાથે ઓનલાઈન કાવ્યલેખન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના અનેક સાહિત્યપ્રેમી નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની સ્વરચિત અને મૌલિક કવિતાઓ આયોજકોને મોકલી હતી. નિર્ણાયકો દ્વારા તમામ કૃતિઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યા બાદ કવિ જલરૂપ તરીકે જાણીતા કવિની કૃતિને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરવામાં આવી હતી.

કવિ સંમેલનમાં કવિ દીપકભાઈ ત્રિવેદી, હર્ષિદાબેન ત્રિવેદી, વિશાલભાઈ પારેખ, રામભાઈ વરોતરિયા, જનાર્દન દવે અને પંકજભાઈ ગઢવીએ પોતાની સુંદર અને અસરકારક રચનાઓ રજૂ કરી હતી. તેમની કાવ્યરચનાઓને કાર્યક્રમમાં ઉપસ્થિત તબીબો, શિક્ષણવિદો, સાહિત્યરસિકો અને નગરજનોએ ઉત્સાહભેર વધાવી હતી.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન સાહિત્ય અને કવિતાના રસમાં તરબોળ વાતાવરણ સર્જાયું હતું અને ઉપસ્થિત સૌએ કવિઓની રચનાઓને મનભરીને માણી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા માટે નિર્શિવ ફાઉન્ડેશનના આરતીબેન રાંકજા, રોહનભાઈ રાંકજા તથા તેમની ટીમ તેમજ જિલ્લા રમતગમત અધિકારી હિરલબેન વ્યાસ અને તેમના સ્ટાફ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.




















