
ગાંધીનગર: ગુજરાતમાં સેમિક્નડક્ટર મેન્યુફેક્ચરિંગ, ગ્રીન હાઇડ્રોજન, ડેટા સેન્ટર્સ, ઇલેક્ટ્રિક મોબિલિટી અને અન્ય ઊર્જા-સઘન ઉદ્યોગોના વિકાસને કારણે વીજળીની માંગમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. આ વધતી માંગને પહોંચી વળવા માટે ન્યુક્લિયર પાવર કોમ્પ્લેક્સ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રસ્તાવિત પ્રોજેક્ટની સ્થાપિત ક્ષમતા 4,200 મેગાવોટ અથવા 7,000 મેગાવોટ હોવાની શક્યતા છે. જોકે અંતિમ ક્ષમતા અને પ્રોજેક્ટનું માળખું હજુ ઉચ્ચ સ્તરે નક્કી કરવામાં આવી રહ્યું છે. પ્રતિ મેગાવોટ અંદાજે રૂા.35 કરોડના ખર્ચને ધ્યાનમાં લેતા આ પ્રોજેક્ટમાં આશરે રૂા.1.25 લાખ કરોડથી રૂા.2.25 લાખ કરોડનું રોકાણ થઈ શકે છે.

આ પ્રોજેક્ટ સાકાર થાય તો તે ગુજરાતના વીજ ક્ષેત્રના સૌથી મોટા રોકાણોમાંથી એક બની શકે છે. સૂત્રો અનુસાર, પ્રોજેક્ટ માટે 1,100 હેક્ટર જમીન પહેલેથી જ ઉપલબ્ધ છે. પ્રોજેક્ટની સાથે સ્થાપવામાં આવનારા ન્યુક્લિયર ફ્યુઅલ કોમ્પ્લેક્સ માટે કેન્દ્ર સરકારની એક ટીમ સ્થળની મુલાકાત પણ લઈ ચૂકી છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે આનંદ જિલ્લાના ખંભાત તાલુકામાં પ્રસ્તાવિત ધુવારણ ન્યુક્લિયર પાવર કોમ્પ્લેક્સ માટે જરૂરી જમીનની ઉપલબ્ધતા રાજ્ય સરકારે ઓળખી લીધી છે. પ્રાથમિક મૂલ્યાંકન મુજબ મોટા પાયે ન્યુક્લિયર પ્રોજેક્ટ વિકસાવવા માટે આ સ્થળમાં સારી સંભાવના છે.

પ્રસ્તાવિત કેન્દ્ર-રાજ્ય સંયુક્ત સાહસ ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લલિમિટેડ (NPCIL) અને ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કંપની લિમિટેડ (GSECL) વચ્ચે રચવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટના વિકાસ, બાંધકામ અને સંચાલન માટે એક અલગ Joint Venture કંપની સ્થાપવા અંગે ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પરમાણુ ઊર્જા વિભાગ (DAE) સાથેની ચર્ચાના આધારે ધુવારણ ખાતે પ્રમાણિત સ્વદેશી Pressurized Heavy Water Reactor (PHWR) ટેક્નોલોજી, Pressurized Water Reactor (PWR) તેમજ પ્રમાણિત અને નિયમન હેઠળની વિદેશી રિએક્ટર ટેક્નોલોજી સ્થાપવાની શક્યતાઓનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે પ્રોજેક્ટની શક્યતા ચકાસવા અને જરૂરી નીતિ તથા વહીવટી સહાય પૂરી પાડવા માટે ઉચ્ચ-સ્તરીય સમિતિ અને એક કાર્યકારી સમિતિની રચના કરી છે.






















