HomeAllવરસાદ ખેંચાતા સરકાર એક્શનમાં : વિજળી - ઘાસચારો, પાણી સપ્લાય વધારશે

વરસાદ ખેંચાતા સરકાર એક્શનમાં : વિજળી – ઘાસચારો, પાણી સપ્લાય વધારશે

ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદની ખેંચ અને ઉદભવેલી પરિસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ખેડૂતો અને પશુપાલકોની પડખે અડીખમ ઊભી છે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્ય સરકાર દ્વારા ઘાસચારાની ઉપલબ્ધતા, ખાંડના ભાવો પર નિયંત્રણ, સિંચાઈના પાણી છોડવા તથા વીજ પુરવઠા અંગે લેવાયેલા મહત્વના નિર્ણયોની વિગતવાર માહિતી આપી હતી. મંત્રી એ સ્પષ્ટ કર્યું હતું કે રાજ્યમાં ઘાસચારા કે પાણીની કોઈ અછત નથી અને સરકાર તમામ સ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણ રીતે સજજ છે. મંત્રી જીતુભાઈ વાઘાણીએ ઘાસચારાની ઉપલબ્ધતા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઓછા વરસાદની સ્થિતિમાં પશુધનની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ છે.

રાજ્યના 301 ગામોના 90,000 જેટલા પશુઓ સુધી અત્યાર સુધીમાં 16 લાખ કિલો ઘાસચારો પહોંચાડી રાહત આપવામાં આવી છે. પશુપાલકો પર આર્થિક બોજ ન પડે તે માટે માત્ર રૂ. 2 પ્રતિ કિલોના રાહત દરે ઘાસચારો પૂરો પાડવામાં આવી રહ્યો છે. વન વિભાગ પાસે હજુ 361 લાખ ફ઼િલો ઘાસચારો અનામત (રિઝર્વ) છે. તમામ જિલ્લા કલેક્ટરોને સ્થાનિક જરૂરિયાત મુજબ ત્વરિત પગલાં લેવા અધિકૃત કરાયા છે.

રાજ્યમાં ખાંડની ઉપલબ્ધતા અને ભાવો અંગે સ્પષ્ટતા કરતાં મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, સરકારી પ્રયાસોના પરિણામે ફેક્ટરી બહાર પ્રતિ ક્વિન્ટલ 6500થી વધુ બોલાતા ખાંડના ભાવ ઘટીને હાલ 6000ની નીચે આવી ગયા છે. રાજ્યની 17 ખાંડ મિલો પાસે હાલ 18 લાખ ક્વિન્ટલ ખાંડનો જથ્થો ઉપલબ્ધ છે. આગામી 15 ઓક્ટોબર પછી નવી સીઝન શરૂ થતાં ઉત્પાદનમાં વધુ વધારો થશે. ગુજરાતમાં કોઈ મંડળી સીધી શેરડીમાંથી ઇથેનોલ બનાવતી નથી. શેરડીના પીલાણ બાદ વધેલા મોલાસિસમાંથી જ ઇથેનોલનું ઉત્પાદન કરાય છે.

ખેડૂતોના ઊભા પાકને સૂકાતો અટકાવવા સિંચાઈના પાણી અંગે સરકારે તાકીદના પગલાં લીધા છે. સૌની યોજના અને સુજલામ સુફલામ પાઇપલાઇન નેટવર્ક મારફતે નર્મદા આધારિત તળાવો અને ડેમો ભરોસપાત્ર રીતે ભરવાની કામગીરી પુરજોશમાં શરૂ કરાઈ છે. આણંદ અને ખેડા જિલ્લામાં ઊભો પાક બચાવવા કડાણા ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. મહી કમાન્ડ વિસ્તારમાં નાગરિકો માટે પરિયેજ અને કનેવાલ તળાવમાં નિયમિત પીવાનું પાણી પહોંચાડાઈ રહ્યું છે.

ખેતીવાડી વીજ પુરવઠા અંગે જીતુભાઈ વાઘાણીએ એ જાહેરાત કરી હતી કે સ્થાનિક સ્થિતિને ધ્યાને રાખીને અમરેલી, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢ – આ 7 જિલ્લાઓમાં રોજના 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનું શરૂ કરી દેવાયું છે. બાકીના જિલ્લાઓમાં હાલ 8 કલાક ગુણવત્તાસભર વીજળી અપાય છે. જો અન્ય કોઈ પણ જિલ્લામાં પાક બચાવવા વધુ વીજળીની જરૂર પડશે તો ત્યાં પણ 10 કલાક વીજ પુરવઠો આપવા સરકાર સજ્જ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments