
વાંકાનેર, તા. ૨૭ ઓગસ્ટ: આઝાદીના ૭૯ વર્ષ પૂર્ણ થયા બાદ પણ વાંકાનેર તાલુકામાં સંપૂર્ણ સુવિધાયુક્ત અને આધુનિક જાહેર પુસ્તકાલયનો અભાવ હોવાના મુદ્દે જાગૃત નાગરિક શ્રી જયેન્દ્રસિંહ મધુભા ઝાલા દ્વારા આજે મામલતદારશ્રી, વાંકાનેર તાલુકાને વિસ્તૃત લેખિત અરજી કરવામાં આવી હતી. આ અરજીને વાંકાનેરની વિવિધ શાળા-કોલેજોના આચાર્યશ્રીઓ તેમજ સેંકડો વિદ્યાર્થીઓએ સહી કરીને વ્યાપક સમર્થન આપ્યું છે.


અરજીમાં વાંકાનેરમાં આધુનિક “સ્માર્ટ પુસ્તકાલય”ના નિર્માણ માટે યોગ્ય સરકારી જમીન ફાળવવાની માંગ કરવામાં આવી છે. અરજદારે જણાવ્યું હતું કે, “લાઈબ્રેરી માત્ર એક ઓરડો નથી, પરંતુ વિદ્યાર્થીઓ અને નાગરિકોના જ્ઞાનવિકાસનું કેન્દ્ર છે. વાંકાનેરમાં હાલ કાર્યરત નાનકડી સરકારી લાઈબ્રેરી આજના સમયની જરૂરિયાતો અને વિદ્યાર્થીઓની વધતી શૈક્ષણિક જરૂરિયાતોને પહોંચી વળવા પૂરતી નથી.”

ગુજરાત જમીન મહેસૂલ કાયદાની કલમ ૩૭ હેઠળ યોગ્ય સરકારી જમીન ફાળવી, ‘ધ ગુજરાત પબ્લિક લાઈબ્રેરીઝ એક્ટ, ૨૦૦૧’ મુજબ ‘Class A’ કક્ષાનું આધુનિક પુસ્તકાલય બનાવવાની માંગણી કરવામાં આવી છે. સૂચિત પુસ્તકાલયમાં ૧૫,૦૦૦થી વધુ પુસ્તકોનો સંગ્રહ, કમ્પ્યુટર લેબ, હાઈ-સ્પીડ ઈન્ટરનેટ, ડિજિટલ લાઈબ્રેરી, અલગ બાળ વિભાગ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અલાયદો અભ્યાસ વિભાગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની રજૂઆત કરવામાં આવી છે.

અરજીમાં લાઈબ્રેરીના મહત્વને સમજાવવા માટે આંતરરાષ્ટ્રીય ફેડરેશન ઓફ લાઈબ્રેરી એસોસિએશન્સ (IFLA)ના ધોરણો સહિત વિવિધ આંકડાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અરજદારે જણાવ્યું હતું કે દેશની સાક્ષરતામાં નોંધપાત્ર વધારો થયો છે, ત્યારે સમયની માંગ મુજબ જાહેર પુસ્તકાલયોના માળખાને પણ વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત છે.

આ પ્રોજેક્ટ માટે સરકાર પર મોટો નાણાકીય બોજ ન આવે તે અંગે પણ અરજીમાં ધ્યાન દોરવામાં આવ્યું છે. રાજા રામમોહન રોય લાઈબ્રેરી ફાઉન્ડેશન (RRRLF) દ્વારા ૬૦:૪૦ના ધોરણે મેચિંગ ગ્રાન્ટ તેમજ ગુજરાત સરકાર દ્વારા “વાંચે ગુજરાત” અભિયાન અંતર્ગત પુસ્તકાલયો માટેની અનુદાન વ્યવસ્થાનો ઉલ્લેખ કરીને અરજદારે જણાવ્યું હતું કે, જરૂરી પ્રક્રિયા અને વહીવટી ભલામણ દ્વારા આ પ્રોજેક્ટને આગળ ધપાવી શકાય છે.

પ્રધાનમંત્રીશ્રી દ્વારા ૧૫ ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી વિદ્યાર્થીઓ માટે યુટ્યુબ મારફતે મફત કોચિંગ ઉપલબ્ધ કરાવવાની જાહેરાતનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અરજદારે જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓને મફત શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ થાય તે સાથે તેને શાંતિપૂર્ણ વાતાવરણમાં અભ્યાસ કરવાની સુવિધા પણ જરૂરી છે. વાંકાનેરનું આધુનિક પુસ્તકાલય આવી શૈક્ષણિક પહેલો માટે ગ્રાઉન્ડ સેન્ટર બની શકે છે.”

આ સમગ્ર માંગણીને “વિકસિત ભારત @ ૨૦૪૭”ના સંકલ્પ સાથે જોડતાં અરજદારે જણાવ્યું હતું કે, “જ્ઞાની બનવા માટે માણસને જ્ઞાનની જગ્યા જોઈએ અને એ જગ્યા પુસ્તકાલય છે.”

આ અરજી સાથે વાંકાનેરની વિવિધ શાળા-કોલેજોના આચાર્યશ્રીઓ તથા સેંકડો વિદ્યાર્થીઓ દ્વારા સહી કરાયેલું સમર્થનપત્ર પણ રજૂ કરવામાં આવ્યું છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે આધુનિક પુસ્તકાલયની માંગ માત્ર એક વ્યક્તિની નહીં પરંતુ વાંકાનેરના વિદ્યાર્થીઓ, શૈક્ષણિક ક્ષેત્ર અને જાગૃત નાગરિકોની સામૂહિક માંગ છે.

અરજદારે જણાવ્યું હતું કે આ મુદ્દે અત્યાર સુધી કોઈ ઔપચારિક રજૂઆત કરવામાં આવી ન હતી અને હાલ કરવામાં આવેલી પહેલ સંપૂર્ણપણે નાગરિક તથા શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. અરજી સુપરત કર્યા બાદ મામલતદાર કચેરી બહાર પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે વહીવટીતંત્ર આ રજૂઆતને ગંભીર તાથી લઈ વાંકાનેરના વિદ્યાર્થીઓ અને નાગરિકોના હિતમાં વહેલી તકે સકારાત્મક કાર્યવાહી કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. (તસ્વીર-અહેવાલ: અજય કાંજીયા)
















