HomeAllમોરબીમાં ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા આજથી નિઃશુલ્ક ગરબા ક્લાસીસનો પ્રારંભ

મોરબીમાં ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા આજથી નિઃશુલ્ક ગરબા ક્લાસીસનો પ્રારંભ

બહેનો અને પરિવારોને સુરક્ષિત તથા પારિવારિક માહોલ મળી રહે તેવા આશયથી આયોજન

મોરબી: આગામી નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને મોરબીમાં ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ-૨૦૨૯ દ્વારા બહેનો અને પરિવારો માટે નિઃશુલ્ક ગરબા ક્લાસીસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બહેનોને સુરક્ષિત, શિસ્તબદ્ધ અને પારિવારિક વાતાવરણમાં ગરબાની તાલીમ મળી રહે તે મુખ્ય હેતુ સાથે આ આયોજન કરવામાં આવ્યું છે.

ગત વર્ષે મોરબી પાટીદાર યુવા સંઘ દ્વારા કેટલાક ખાનગી દાંડિયા ક્લાસીસ સામે મુહિમ ચલાવવામાં આવી હતી. તેના અનુસંધાને આ વર્ષે બહેનો તેમજ પરિવારોને સુરક્ષિત અને પારિવારિક માહોલ મળી રહે તે માટે ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા આ પહેલ હાથ ધરવામાં આવી છે.

આ નિઃશુલ્ક ગરબા ક્લાસીસમાં માત્ર બહેનો અને ફેમિલી બેન્ચની વ્યવસ્થા કરવામાં આવી છે. બહેનો માટે સાંજે ૫થી ૭ વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યો છે, જ્યારે ફેમિલી બેન્ચ માટે રાત્રે ૯થી ૧૧ વાગ્યા સુધીનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.

ખાસ કરીને બહેનો માટેના ક્લાસીસમાં માત્ર બહેનો દ્વારા જ ગરબાની તાલીમ આપવામાં આવશે. જ્યારે ફેમિલી બેન્ચમાં પણ બહેનોને બહેનો અને ભાઈઓને ભાઈઓ દ્વારા જ તાલીમ આપવામાં આવશે. આ વ્યવસ્થાના કારણે બહેનો અને પરિવારજનોને અનુકૂળ, શિસ્તબદ્ધ અને સુરક્ષિત વાતાવરણ મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

નિઃશુલ્ક ગરબા ક્લાસીસનો પ્રારંભ તા.૨૬ના રોજ રાત્રે ૯ કલાકે કરવામાં આવ્યો છે. મોરબીના જે ખેલૈયાઓ તથા પરિવારો આ નિઃશુલ્ક ગરબા તાલીમમાં જોડાવા ઇચ્છતા હોય તેઓ એરોબિક્સ ગ્રાઉન્ડ, એસ.પી. રોડ, સરદાર આર્કેડ પાછળ, મોરબી-૧ ખાતે પહોંચી શકશે.

ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા મોરબીના ખેલૈયાઓ, બહેનો અને પરિવારોને આ નિઃશુલ્ક ગરબા ક્લાસીસનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments