HomeAllમોરબીમાં રક્ષાબંધનની હરખભેર ઉજવણી : બજારોમાં છેલ્લી ઘડી સુધી રાખડી, મીઠાઈ અને...

મોરબીમાં રક્ષાબંધનની હરખભેર ઉજવણી : બજારોમાં છેલ્લી ઘડી સુધી રાખડી, મીઠાઈ અને ગિફ્ટની ખરીદી જામી

મોરબીમાં: પવિત્ર શ્રાવણ માસની પૂર્ણિમા નિમિત્તે આજે રક્ષાબંધનના પાવન પર્વની પરંપરાગત હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે ઉજવણી થઈ રહી છે. ભાઈ-બહેનના અતૂટ પ્રેમના પ્રતીક સમા આ પર્વને લઈને મોરબીના બજારોમાં છેલ્લી ઘડી સુધી ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. બહેનોએ ભાઈઓ માટે રાખડી, મીઠાઈ તેમજ વિવિધ ગિફ્ટની ખરીદી કરી હતી.

રક્ષાબંધનના પાવન અવસરે બહેનો પોતાના ભાઈઓના કાંડા પર પ્રેમપૂર્વક રાખડી બાંધી તેમના દીર્ઘાયુ, સુખ-સમૃદ્ધિ અને ઉજ્જવળ જીવન માટે પ્રાર્થના કરી રહી છે. ધાર્મિક દ્રષ્ટિએ પણ આ દિવસનું વિશેષ મહત્વ હોવાથી અનેક લોકો અબોલ જીવોને ઘાસચારો તેમજ જરૂરિયાતમંદોને અન્ન અને વસ્ત્રનું દાન કરી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે.

ભૂદેવોએ એક દિવસ અગાઉ સામૂહિક યજ્ઞોપવિત ધારણ વિધિ કરી

રક્ષાબંધનના એક દિવસ અગાઉ પૂર્ણિમા તિથિ અને ધનિષ્ઠા નક્ષત્રનો શુભ સંયોગ હોવાથી મોરબીમાં ભૂદેવો દ્વારા સામૂહિક યજ્ઞોપવિત ધારણ વિધિના કાર્યક્રમો યોજાયા હતા. મોરબી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટી મંડળ દ્વારા નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.

આચાર્ય વિપુલ પી. શુક્લના આચાર્યપદે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં અંદાજે ૮૦થી ૮૫ ભૂદેવોએ નવી જનોઈ ધારણ કરી હતી. બ્રાહ્મણ પરિવારોએ ઉપસ્થિત રહી વૈદિક મંત્રોચ્ચાર સાથે દેહશુદ્ધિ પ્રાયશ્ચિત, ગણેશ-અંબિકા પૂજન, વિષ્ણુ પૂજન તેમજ અરુંધતી સહિત સપ્તર્ષિઓ અને દેવતાઓનું પૂજન કર્યું હતું.

ધનિષ્ઠા નક્ષત્રમાં ઉપાકર્મ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. શ્રાવણી પર્વને બ્રાહ્મણોની દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને યજુર્વેદી ભૂદેવો દ્વારા નૂતન યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે, જે ધાર્મિક અને આધ્યાત્મિક જીવન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

જનોઈ બદલવી ભૂદેવો માટે ‘રિચાર્જ’ સમાન : આચાર્ય વિપુલ શુક્લ

આચાર્ય વિપુલ શુક્લના જણાવ્યા મુજબ ભૂદેવો માટે યજ્ઞોપવિત બદલવાની વિધિ એક પ્રકારના ‘રિચાર્જ’ સમાન છે. નવી જનોઈ ધારણ કરવાથી સંધ્યા ઉપાસના, તપશ્ચર્યા, હોમ-હવન તથા દાન-પુણ્ય જેવા ધાર્મિક કર્મો કરવાની નવી ઉર્જા અને યોગ્યતા પ્રાપ્ત થાય છે. શ્રાવણ સુદ પૂર્ણિમા અને શુભ સંયોગમાં કરવામાં આવતી દેહશુદ્ધિ તથા પૂજનથી બ્રાહ્મણોને તેમના ધાર્મિક કર્તવ્યોનું પાલન કરવાની આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થતી હોવાનું ધાર્મિક માન્યતા છે.

રક્ષાબંધનને લઈને એસટી તંત્ર પણ સજ્જ

રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને મોરબી એસટી તંત્ર દ્વારા મુસાફરોની વધતી ભીડને પહોંચી વળવા રાજકોટ, જામનગર સહિતના રૂટ પર જરૂરિયાત મુજબ વધારાની બસો દોડાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા બે દિવસ દરમિયાન રોજગારી અર્થે મોરબી આવેલા કામદારોને તેમના વતન પહોંચાડવા દાહોદ રૂટ પર પણ અંદાજે છ વધારાની ટ્રીપ દોડાવવામાં આવી હતી.

રાષ્ટ્ર સેવિકા સમિતિએ આરોગ્ય અને પોલીસ સ્ટાફને બાંધી રાખડી

રક્ષાબંધન નિમિત્તે મોરબી જિલ્લા રાષ્ટ્ર સેવિકા સમિતિ તથા રામ રાત્રી શાખા દ્વારા સેવા અને સમર્પણના ભાવ સાથે સિવિલ હોસ્પિટલ, પોલીસ સ્ટેશન તેમજ ટ્રાફિક પોલીસ પોઇન્ટ પર ફરજ બજાવતા સ્ટાફને રક્ષાપોથી બાંધવામાં આવી હતી. આ પ્રસંગે રાજકોટ વિભાગ સંયોજક કિરણબેન જોષી, મોરબી સંયોજક રશ્મિબેન તેમજ આરતીબેન સહિત રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનોએ ઉપસ્થિત રહી આરોગ્યકર્મીઓ અને પોલીસ જવાનો પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments