HomeAllમોરબી મહાનગરપાલિકાનો ‘કોફી વિથ કમિશનર’ કાર્યક્રમ યોજાયો

મોરબી મહાનગરપાલિકાનો ‘કોફી વિથ કમિશનર’ કાર્યક્રમ યોજાયો

સર્કલ, રોડ, ભૂગર્ભ ગટર, બાગ-બગીચા સહિતના વિકાસકામો અને ભાવિ આયોજનો અંગે પ્રબુદ્ધ નાગરિકો સાથે વિસ્તૃત ચર્ચા

મોરબી: શહેરના સર્વાંગી વિકાસને નવી દિશા આપવા તેમજ વહીવટી તંત્ર અને નાગરિકો વચ્ચે સીધો સંવાદ અને સેતુ વધુ મજબૂત બનાવવા મોરબી મહાનગરપાલિકા દ્વારા ‘કોફી વિથ કમિશનર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો તેમજ વિવિધ સામાજિક અને ઔદ્યોગિક સંસ્થાઓના આગેવાનોને આમંત્રિત કરી શહેરમાં ચાલી રહેલા વિકાસકામો અને આગામી આયોજનો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીએ મોરબી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા. ખાસ કરીને શહેરના આશરે ૨૨ જેટલા સર્કલના ડેવલપમેન્ટ, એસ.પી. રોડ અને કેનાલ રોડની કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત શહેરમાં ચાલી રહેલા ભૂગર્ભ ગટર પ્રોજેક્ટ, મોરબી મહાનગરપાલિકાના નવા અને આધુનિક મકાનનું નિર્માણ, શહેરને વધુ હરિયાળું અને સુવિધાસભર બનાવવા માટે બાગ-બગીચાઓના વિકાસ તેમજ નવી ઓફિસોના નિર્માણ સહિતના વિવિધ કામોની પ્રગતિ અંગે પણ માહિતી રજૂ કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન મોરબીના ભાવિ વિકાસને વધુ ગતિ આપવા માટે ઉદ્યોગજગત, વેપારી સંગઠનો, બિલ્ડર એસોસિએશન તેમજ સામાજિક સંસ્થાઓના સહયોગ અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. શહેરના વિકાસમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની ભૂમિકા અને સૂચનોને મહત્વ આપતા મહાનગરપાલિકા દ્વારા વિકાસલક્ષી આયોજનો અંગે તેમની સાથે સીધો સંવાદ સાધવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયા, મરીન સોલ્ટ એસોસિએશનના પ્રમુખ દિલુભા જાડેજા, બિલ્ડર એસોસિએશનના પ્રમુખ સંતોષભાઈ શેરસિયા તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલ સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

‘કોફી વિથ કમિશનર’ કાર્યક્રમના માધ્યમથી મોરબી મહાનગરપાલિકાએ શહેરના વિકાસકામોમાં પારદર્શિતા સાથે નાગરિકોની ભાગીદારી વધારવા અને શહેરના ભાવિ આયોજન અંગે સીધો સંવાદ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments