
મોરબી: દર વર્ષની પરંપરા જાળવી યુવાશક્તિ ગ્રુપ દ્વારા આ વર્ષે પણ “રક્ષકોની રક્ષા”ના સંકલ્પ સાથે રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. યુવાશક્તિ ગ્રુપની બહેનો મોરબી ફાયર સ્ટેશન ખાતે પહોંચી હતી અને 24 કલાક જનસેવામાં ખડેપગે રહેતા ફાયર વિભાગના જવાનોને રાખડી બાંધી તેમના પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.


મોરબી શહેરમાં આગ, અકસ્માત કે અન્ય કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિ સર્જાય ત્યારે ફાયર વિભાગના જવાનો તાત્કાલિક મદદ માટે 24 કલાક અને 365 દિવસ પોતાની ફરજ નિભાવે છે. ફરજની પ્રાથમિકતાના કારણે ઘણી વખત તેઓ પોતાના પરિવાર સાથે પૂરતો સમય વિતાવી શકતા નથી અને તહેવારોની ઉજવણીથી પણ વંચિત રહે છે.

આ ભાવનાને ધ્યાનમાં રાખીને યુવાશક્તિ ગ્રુપની બહેનો ફાયર સ્ટેશન ખાતે રાખડી લઈને પહોંચી હતી. બહેનોએ ફાયર જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી. બહેનોના પ્રેમ, લાગણી અને સન્માનથી ફાયર વિભાગના જવાનોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી. જવાનોએ યુવાશક્તિ ગ્રુપની મહિલાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

યુવાશક્તિ ગ્રુપ દ્વારા વિવિધ ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાઓનું સન્માન જળવાઈ રહે તે હેતુથી વિવિધ તહેવારોની સમયોચિત ઉજવણી કરવામાં આવે છે. રક્ષાબંધનને માત્ર ભાઈ-બહેનના પવિત્ર સંબંધ પૂરતું સીમિત ન રાખતા સમાજની સુરક્ષા અને સેવા માટે સતત ફરજ બજાવતા રક્ષકો પ્રત્યે સન્માન અને લાગણી વ્યક્ત કરવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ફાયર વિભાગના જવાનો પ્રત્યે આભાર અને સન્માન વ્યક્ત કરતી આ ઉજવણી દ્વારા યુવાશક્તિ ગ્રુપે સમાજમાં સેવા, સન્માન, ભાઈચારો અને માનવતાનો સુંદર સંદેશ આપ્યો હતો.




















