તંત્ર અને મેળા આયોજકોના સહકાર વિના કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકોએ હાથ ધરી સફાઈ કામગીરી

વાંકાનેર (મોરબી અપડેટ) : શ્રાવણ માસ દરમિયાન વાંકાનેર નજીક આવેલા પવિત્ર જડેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં યોજાયેલા ભવ્ય મેળા બાદ ગ્રાઉન્ડમાં ફેલાયેલા પ્લાસ્ટિક સહિતના કચરાને દૂર કરવા માટે રવિવારે મહાસફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મોરબીના કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગૌરવ જાનીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ અભિયાનમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકોએ જોડાઈને શ્રમદાન કર્યું હતું.

મેળા દરમિયાન મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતા મેદાનમાં ઠેર-ઠેર પ્લાસ્ટિકની થેલીઓ, કપ, બોટલો સહિતનો કચરો ફેલાયો હતો. સ્વયંસેવકોએ ભારે મહેનત કરીને માટીમાં દબાયેલો કચરો પણ બહાર કાઢ્યો હતો. સમગ્ર સફાઈ કામગીરી દરમિયાન 18×36 સાઈઝની કુલ 57 જેટલી મોટી બેગ ભરીને પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો.

તંત્ર અને આયોજકોના સહકાર વિના સ્વયંસેવકોની કામગીરી

મહત્વપૂર્ણ બાબત એ છે કે આટલા મોટા પાયે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હોવા છતાં સ્થાનિક તંત્ર કે મેળાના આયોજકો તરફથી સ્વયંસેવકોને જરૂરી પ્રાથમિક સુવિધા કે કોઈ નોંધપાત્ર સહકાર મળ્યો ન હતો. તેમ છતાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને જડેશ્વર મહાદેવ પ્રત્યેની આસ્થાથી પ્રેરાઈને સ્વયંસેવકોએ પોતાની ક્ષમતા કરતા પણ વધુ મહેનત કરીને સમગ્ર મેદાનને સ્વચ્છ બનાવવાની કામગીરી હાથ ધરી હતી.

ડસ્ટબિનની વ્યવસ્થા હોય તો કચરો ફેલાતો અટકાવી શકાય

સફાઈ અભિયાન દરમિયાન એક મહત્વપૂર્ણ બાબત પણ સામે આવી હતી કે લોકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ અગાઉની સરખામણીએ વધી છે. લોકો હવે કચરો ફેંકતા પહેલા ડસ્ટબિન શોધતા થયા છે અને ડસ્ટબિન ઉપલબ્ધ હોય ત્યારે તેનો ઉપયોગ પણ કરે છે. જોકે મેળા જેવા મોટા આયોજનોમાં પૂરતી સંખ્યામાં ડસ્ટબિનની વ્યવસ્થા ન હોવાના કારણે લોકો પાસે કચરો મેદાનમાં નાખવા સિવાયનો વિકલ્પ રહેતો નથી અને પરિણામે સમગ્ર મેદાનમાં ગંદકી ફેલાય છે.

સાતમ-આઠમના મેળાઓને લઈને આયોજકો અને તંત્રને અપીલ

આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં સાતમ-આઠમના લોકમેળાઓ યોજાવાના છે ત્યારે કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ મેળા આયોજકો તેમજ સંબંધિત તંત્રને સ્વચ્છતા વ્યવસ્થા અંગે ખાસ અપીલ કરવામાં આવી છે.

મેળામાં સ્ટોલ ધારકો પાસેથી ભાડા પેટે વધુ રકમ વસૂલવામાં આવે તો પણ ચાલે, પરંતુ મેદાનમાં યોગ્ય અંતરે ઠેર-ઠેર ડસ્ટબિનની ફરજિયાત વ્યવસ્થા કરવામાં આવે. સાથે જ કચરાના યોગ્ય નિકાલ માટે જરૂરી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવે.

સ્વચ્છતા માત્ર સફાઈ કામદારો કે સ્વયંસેવકોની જવાબદારી નથી, પરંતુ મેળાના આયોજકો અને તંત્રની પણ એટલી જ મહત્વપૂર્ણ જવાબદારી છે. જો મેળાની શરૂઆતથી જ પૂરતી સંખ્યામાં ડસ્ટબિન ઉપલબ્ધ કરાવવામાં આવે અને લોકોને તેનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે તો મેળો પૂર્ણ થયા બાદ કલાકો સુધી કચરો વીણવાની પરિસ્થિતિ ઊભી ન થાય.

તીર્થસ્થાનો અને મેળા ગ્રાઉન્ડને સ્વચ્છ રાખવાની જવાબદારી સૌની

ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે કે ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાઓ માત્ર ભક્તિ અને મનોરંજન પૂરતા સીમિત ન રહે, પરંતુ સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું પણ ઉદાહરણ બને. તીર્થસ્થાનો, મેળા ગ્રાઉન્ડ અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા માટે આયોજકો, તંત્ર અને નાગરિકો સૌએ સંયુક્ત જવાબદારી નિભાવવી જરૂરી છે.














