
વાંકાનેર: ટીબી સામેની લડાઈમાં જનભાગીદારી વધારવા તેમજ નાગરિકોમાં ક્ષયરોગ (ટીબી) અંગે જાગૃતિ કેળવવાના હેતુથી વાંકાનેર તાલુકામાં ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત એચ. એન. દોશી આર્ટ્સ એન્ડ આર. એન. દોશી કોમર્સ કોલેજના NSSના 70થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

રેલીનો પ્રારંભ દોશી કોલેજ ખાતેથી થયો હતો. NSSના વિદ્યાર્થીઓ હાથમાં ટીબી અંગે જાગૃતિ ફેલાવતા બેનરો અને વિવિધ સંદેશાઓ સાથે રેલીમાં જોડાયા હતા. વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર દ્વારા નાગરિકોને ટીબીના લક્ષણો, સમયસર તપાસ, યોગ્ય સારવાર અને સારવારનો સંપૂર્ણ કોર્સ પૂર્ણ કરવાના મહત્વ અંગે જાગૃત કર્યા હતા.

રેલી દરમિયાન “ટીબી હારેગા, દેશ જીતેગા”, “ટીબીને દુશ્મન અને ટીબીના દર્દીને મિત્ર બનાવો”, “ભેદભાવ મિટાવો, ટીબીના દર્દીને અપનાવો” તેમજ “જન જનનું રાખો ધ્યાન, ટીબી મુક્ત ભારત અભિયાન” જેવા વિવિધ જનજાગૃતિ સૂત્રો દ્વારા ટીબી મુક્ત ભારતનો સંદેશ આપવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓએ લોકોને સમજાવ્યું હતું કે ટીબીનો રોગ સંપૂર્ણપણે મટી શકે છે. સમયસર નિદાન, તબીબી સલાહ મુજબ યોગ્ય સારવાર અને સારવારનો સંપૂર્ણ કોર્સ પૂર્ણ કરવાથી ટીબીના દર્દી સ્વસ્થ જીવન જીવી શકે છે. સાથે જ ટીબીના દર્દીઓ પ્રત્યે કોઈપણ પ્રકારનો ભેદભાવ ન રાખી, તેમને સારવાર દરમિયાન જરૂરી સહયોગ તથા સામાજિક અને ભાવનાત્મક ટેકો આપવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે અને જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગરના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પી. કે. શ્રીવાસ્તવ અને જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ધનસુખ અજાણાના દિશા-નિર્દેશ હેઠળ યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા ક્ષય કેન્દ્રના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર પીયુષભાઈ જોશી, તાલુકા હેલ્થ સુપરવાઈઝર વી. એચ. માથકીયા, ટીબી સુપરવાઈઝર એન. જી. સાપરા તથા અસ્લમ વી. માથકીયા દ્વારા NSSના વિદ્યાર્થીઓને ટીબીના લક્ષણો, રોગથી બચવાના ઉપાયો, સમયસર નિદાન અને સારવાર અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત આગેવાનો દ્વારા શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓને સમયસર નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા તેમજ ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સમાજના દરેક વર્ગને સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી.



















