HomeAllમોરબી પોસ્ટ ઓફિસમાં પાસબુકની અછતથી સિનિયર સિટીઝનો પરેશાન

મોરબી પોસ્ટ ઓફિસમાં પાસબુકની અછતથી સિનિયર સિટીઝનો પરેશાન

મોરબી પોસ્ટ ઓફિસમાં નવા ખાતા અને ફિક્સ ડિપોઝિટ (એફડી) માટેની પાસબુકની છેલ્લા ઘણા સમયથી અછત હોવાના કારણે ગ્રાહકો, ખાસ કરીને સિનિયર સિટીઝનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ઉમિયા સિનિયર સિટીઝન ક્લબ, મોરબી દ્વારા પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટને લેખિત રજૂઆત કરી પાસબુકનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી છે.

ઉમિયા સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખે રજૂઆતમાં જણાવ્યું છે કે, હાલની સ્થિતિમાં પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવ્યા બાદ પાસબુક મેળવવા માટે ગ્રાહકોને આશરે ત્રણ મહિના જેટલો લાંબો સમય રાહ જોવી પડી રહી છે. પાસબુક ગ્રાહકના ખાતા તેમજ ફિક્સ ડિપોઝિટ સંબંધિત લેવડદેવડ અને નાણાકીય વિગતોની નોંધ માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.

પાસબુક સમયસર ઉપલબ્ધ ન થવાથી ગ્રાહકો પોતાના ખાતાની વિગતો અને વ્યવહારોની માહિતી સરળતાથી જાણી શકતા નથી. ખાસ કરીને સિનિયર સિટીઝનોને પાસબુક મેળવવા માટે વારંવાર પોસ્ટ ઓફિસના ધક્કા ખાવા પડતા હોવાથી તેઓને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આથી પોસ્ટ ઓફિસમાં પાસબુકનો પૂરતો જથ્થો નિયમિત રીતે ઉપલબ્ધ રાખવામાં આવે, નવા ખાતા ખોલાવ્યા બાદ અથવા એફડી કરાવ્યા પછી ગ્રાહકોને શક્ય તેટલી વહેલી તકે પાસબુક આપવામાં આવે તેમજ લાંબા સમયથી બાકી રહેલી પાસબુક તાત્કાલિક ઉપલબ્ધ કરાવી સંબંધિત ગ્રાહકોને આપવામાં આવે તેવી માંગ ઉમિયા સિનિયર સિટીઝન ક્લબ દ્વારા કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments