HomeAllમણિમંદિર-ખાખરેચી દરવાજા નજીકના જર્જરિત ટોયલેટ બ્લોક્સનું ડિમોલિશન, ૨૦૦થી ૩૦૦ ચોરસ ફૂટ જગ્યા...

મણિમંદિર-ખાખરેચી દરવાજા નજીકના જર્જરિત ટોયલેટ બ્લોક્સનું ડિમોલિશન, ૨૦૦થી ૩૦૦ ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી થતાં ટ્રાફિકમાં રાહત

મોરબી । મોરબી મહાનગરપાલિકા દ્વારા લાંબા સમય બાદ શહેરમાં નડતરરૂપ અને જર્જરિત બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના મણિમંદિર તથા ખાખરેચી દરવાજા નજીક લાંબા સમયથી બંધ અને બિનઉપયોગી હાલતમાં રહેલા બે જૂના ટોયલેટ બ્લોકને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા. આ કામગીરીના પગલે અંદાજે ૨૦૦થી ૩૦૦ ચોરસ ફૂટ જેટલી સરકારી જગ્યા ખુલ્લી થઈ છે.

મણિમંદિર અને ખાખરેચી દરવાજા નજીક આવેલા આ બંને ટોયલેટ બ્લોક લાંબા સમયથી ઉપયોગમાં ન હોવાને કારણે જર્જરિત બની ગયા હતા. ઉપરાંત, આ બાંધકામો રસ્તામાં નડતરરૂપ હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને પણ અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. મહાનગરપાલિકા દ્વારા સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લઈ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી.

ડિમોલિશન કામગીરી દરમિયાન ખાખરેચી દરવાજા તથા રાજાશાહી સમયની ઐતિહાસિક દીવાલને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કામગીરી દરમિયાન સ્થળની બંને તરફના રસ્તાઓને કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવ્યા હતા.

ડિમોલિશનની કામગીરી પૂર્ણ થયા બાદ સાંજ સુધીમાં કાટમાળ પણ હટાવી લેવામાં આવ્યો હતો અને રસ્તાને વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો. નડતરરૂપ બાંધકામો દૂર થતાં ખાખરેચી દરવાજાથી બેઠા પુલ તરફ જવાના માર્ગમાં વધારાની જગ્યા ઉપલબ્ધ થઈ છે, જેના કારણે રસ્તો વધુ ખુલ્લો અને સુગમ બન્યો છે.

સાંકડા માર્ગના કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યામાં પણ હવે રાહત મળવાની શક્યતા છે. ખાસ કરીને મણિમંદિર અને ખાખરેચી દરવાજા આસપાસના વિસ્તારમાં વાહનોની અવરજવર વધુ સરળ બનશે. મહાનગરપાલિકાની આ કામગીરીથી સ્થાનિક રહેવાસીઓ તેમજ રાહદારીઓ અને વાહનચાલકોને રાહત મળી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments