HomeAllબજારમાં તહેવારોની ખરીદીનો માહોલ : સ્માર્ટફોન, કાર, એરકન્ડિશન્ડ, રેફ્રિજરેટર અને રેડીમેડ કપડાં...

બજારમાં તહેવારોની ખરીદીનો માહોલ : સ્માર્ટફોન, કાર, એરકન્ડિશન્ડ, રેફ્રિજરેટર અને રેડીમેડ કપડાં સહિતના બજારમાં ઘરાકી

મોરબી : તહેવારોની મોસમ શરૂ થતાં મોરબી સહિતના બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. જન્માષ્ટમીના તહેવારને લઈ લોકોમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્માર્ટફોન, કાર, એરકન્ડિશન્ડ, રેફ્રિજરેટર તેમજ રેડીમેડ કપડાં સહિતની વિવિધ ચીજવસ્તુઓમાં તહેવારની ઘરાકી નીકળી છે અને બજારમાં રોનક જોવા મળી રહી છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન યુદ્ધની સ્થિતિને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન પર અસર પડી છે. ક્રુડતેલના ભાવમાં વધારો થતાં કાચા માલથી લઈને ટ્રાન્સપોર્ટેશન અને શિપિંગ ખર્ચમાં પણ વધારો થયો છે. જેના કારણે સ્માર્ટફોન સહિતના ઈલેક્ટ્રોનિક્સ તેમજ કાર સહિતના ઓટોમોબાઈલ ક્ષેત્રે સિલિકોન ચીપ, પ્લાસ્ટિક સહિતના વિવિધ કાચા માલના ભાવવધારાની અસર જોવા મળી રહી છે.

જોકે, તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને ઉત્પાદકો અને કંપનીઓએ ગ્રાહકો પર મોટો બોજ ન આવે તે માટે ભાવવધારો મર્યાદિત રાખ્યો છે. આગામી નવરાત્રી, દિવાળી અને ત્યારબાદ નવા વર્ષ સુધી બજારમાં ખરીદી વધવાની અપેક્ષા હોવાથી કંપનીઓ હાલ માંગને જાળવી રાખવા પર વધુ ધ્યાન આપી રહી છે.

ઉદ્યોગોના સૂત્રોના જણાવ્યા મુજબ, અગાઉની જેમ મોટો ભાવવધારો કરવાને બદલે હાલ અત્યંત જરૂરી હોય તેટલો જ ભાવવધારો કરવામાં આવ્યો છે. એરકન્ડિશન્ડ અને રેફ્રિજરેટર ક્ષેત્રની અગ્રણી કંપની હાયર દ્વારા અંદાજે 2 ટકા જેટલો ભાવવધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જ્યારે દેશની અગ્રણી ઓટોમોબાઈલ કંપનીઓ હ્યુન્ડાઈ, મારુતિ અને ટાટા મોટર્સ દ્વારા મોડેલ પ્રમાણે આશરે રૂ. 25 હજારથી રૂ. 30 હજાર સુધીનો ભાવવધારો કરવામાં આવ્યો છે.

સ્માર્ટફોન બજારમાં પણ તહેવારોને પગલે સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ કંપનીઓ દ્વારા મોડેલ પ્રમાણે અંદાજે રૂ. 500થી રૂ. 5,000 સુધીના ભાવમાં વધારો થયો હોવા છતાં તહેવારોની ખરીદીના કારણે ગ્રાહકોની માંગ જળવાઈ રહી છે. નવરાત્રીથી દિવાળી સુધીનું ઓટોમોબાઈલ અને સ્માર્ટફોન સહિતના ક્ષેત્રનું વેચાણ વાર્ષિક વેચાણના આશરે 25થી 30 ટકા જેટલું રહેતું હોવાથી કંપનીઓ માટે આ તહેવારી સિઝન મહત્વપૂર્ણ બની છે.

રેડીમેડ ગારમેન્ટ્સના બજારમાં પણ તહેવારોને ધ્યાનમાં રાખીને નવી રેન્જ અને વિવિધ ઓફરો સાથે ગ્રાહકોને આકર્ષવામાં આવી રહ્યા છે. મોટા રિટેલ ચેઈન અને મોલ્સમાં પણ તહેવારોની ખરીદી માટે પ્રાઈસિંગ અને પ્રમોશનલ પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે.

એકંદરે, વૈશ્વિક પડકારો અને કાચા માલના વધતા ખર્ચ વચ્ચે પણ તહેવારોની ખરીદી બજાર માટે આશાનું કિરણ બની છે. જન્માષ્ટમીથી શરૂ થયેલો ખરીદીનો માહોલ આગામી નવરાત્રી અને દિવાળી સુધી વધુ વેગ પકડે તેવી બજારના વેપારીઓ અને ઉદ્યોગકારોને આશા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments