
મોરબી: 21-09-2026: મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં સ્વચ્છતાને જનઆંદોલનનું સ્વરૂપ આપવા માટે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિવિધ સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા-2026 અંતર્ગત શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં વિશેષ સફાઈ ઝુંબેશ યોજાઈ હતી.

આ સફાઈ ઝુંબેશ દરમિયાન સર્કિટ હાઉસથી મહારાણા પ્રતાપ સર્કલ સુધીના વિસ્તાર સહિત શહેરના મુખ્ય માર્ગો પર સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રોડની સાઈડ પરથી પ્લાસ્ટિક વેસ્ટ એકત્રિત કરવા ઉપરાંત ફૂટપાથની સફાઈ અને મુખ્ય માર્ગોની આસપાસ આવેલા વૃક્ષોની કટીંગ કામગીરી પણ કરવામાં આવી હતી.

સફાઈ કામગીરી દરમિયાન એકત્રિત થયેલા પ્લાસ્ટિક વેસ્ટ અને અન્ય કચરાનો તાત્કાલિક ઉપાડ કરી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આ સાથે ફિલ્ડમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓનો ઉત્સાહ વધારી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજાયેલી આ ઝુંબેશમાં શહેરને સ્વચ્છ અને સુઘડ રાખવા માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા સતત કરવામાં આવતી કામગીરીને વધુ વેગ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મેયર ઉત્તમભાઈ સુરાણી, સ્ટેન્ડિંગ ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા, કમિશનર સંગીતા રૈયાણી, સોલિડ વેસ્ટ શાખાના ચેરમેન મેઘરાજસિંહ ઝાલા સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.





















