શાશ્વત હોસ્પિટલના સહયોગથી યોજાયેલા કેમ્પમાં બાળરોગ, સ્ત્રીરોગ, હાડકાં તથા જનરલ રોગોના નિષ્ણાત તબીબોએ દર્દીઓની તપાસ કરી

મોરબી: સમાજમાં આરોગ્ય જાગૃતિ વધારવા તેમજ જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક તબીબી સેવા મળી રહે તેવા હેતુથી મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને શાશ્વત હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે શાશ્વત હોસ્પિટલ ખાતે મલ્ટીસ્પેશિયાલિટી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ ઉપસ્થિત રહી વિવિધ તબીબી સેવાઓનો લાભ લીધો હતો.

કેમ્પ દરમિયાન બાળરોગ, જનરલ ફિઝિશિયન, સ્ત્રીરોગ તથા હાડકાં સંબંધિત વિવિધ તકલીફો અંગે નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની તપાસ અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તબીબી તપાસ બાદ જરૂરિયાત મુજબ દર્દીઓને વિનામૂલ્યે દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા સમયાંતરે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. આ સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે આયોજિત આરોગ્ય કેમ્પમાં ડો. અક્ષય કામલે, ડો. ભૌમિક સરડવા, ડો. પાયલ ફળદુ, ડો. યશરાજસિંહ ઝાલા, ડો. ઋષિ વાંસદડિયા, ડો. યશ કડીવાર અને ડો. નિધિ ભાડજા સહિતની તબીબી ટીમે પોતાની નિષ્ણાત સેવાઓ આપી હતી.

કેમ્પના આયોજન અને સફળ સંચાલનમાં સાધનાબેન ઘોડાસરા, ચંદાબેન કાબરા, કાજલબેન આદ્રોજા તથા ડો. અંકિતાબેન પટેલ સહિતના સભ્યો અને કાર્યકરોએ મહત્વપૂર્ણ જહેમત ઉઠાવી હતી. નિઃશુલ્ક આરોગ્ય સેવાઓના આ પ્રયાસને કારણે જરૂરિયાતમંદ દર્દીઓને તબીબી તપાસ, માર્ગદર્શન અને દવાઓનો લાભ એક જ સ્થળે મળી રહ્યો હતો.






















