HomeAllમુન્દ્રા પોર્ટ પર એમ્પ્ટી કન્ટેનર યાર્ડ્સ એસોસિએશનની હડતાળથી મોરબીના સિરામિક ઉદ્યોગને ફટકો

મુન્દ્રા પોર્ટ પર એમ્પ્ટી કન્ટેનર યાર્ડ્સ એસોસિએશનની હડતાળથી મોરબીના સિરામિક ઉદ્યોગને ફટકો

દરરોજના ૨૦૦૦થી ૩૦૦૦ ખાલી કન્ટેનરની અવરજવર અટકી, ફેક્ટરીઓમાં તૈયાર માલનો ભરાવો શરૂ, વિવાદ લાંબો ખેંચાય તો સિરામિક એક્સપોર્ટ પર ગંભીર અસરની ભીતિ

મોરબી : મુન્દ્રા પોર્ટ ખાતે ઉભા થયેલા એમ્પ્ટી કન્ટેનર યાર્ડના વિવાદની સીધી અસર હવે મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. અદાણી પોર્ટ મેનેજમેન્ટ દ્વારા પોર્ટ બહાર કાર્યરત ખાનગી એમ્પ્ટી કન્ટેનર યાર્ડના કોડ રદ કરીને કન્ટેનરની તમામ કામગીરી પોર્ટની અંદરથી જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના વિરોધમાં એમ્પ્ટી કન્ટેનર યાર્ડ્સ એસોસિએશન (MECYASA) તેમજ મુન્દ્રાના ટ્રાન્સપોર્ટરો દ્વારા હડતાળ શરૂ કરવામાં આવતા મોરબી તરફ આવતા ખાલી કન્ટેનરની અવરજવર અટકી ગઈ છે.

મોરબીમાં દરરોજ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટના મળીને અંદાજે ૨૦૦૦થી ૩૦૦૦ કન્ટેનરની અવરજવર રહે છે. હાલ ખાલી કન્ટેનરનો પુરવઠો ખોરવાતા સિરામિક ફેક્ટરીઓમાં નવા ઓર્ડરના માલનું લોડિંગ પ્રભાવિત થયું છે અને તૈયાર માલનો સ્ટોક વધવા લાગ્યો છે. જો આ વિવાદનો ઝડપી ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં મોરબીના સિરામિક એક્સપોર્ટને ગંભીર અસર થવાની શક્યતા ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે.

શું છે સમગ્ર વિવાદ?

મુન્દ્રા પોર્ટની બહાર અંદાજે ૫૦ જેટલા ખાનગી કન્ટેનર યાર્ડ કાર્યરત હતા. આ યાર્ડમાં કન્ટેનર રિપેરિંગ, મેઇન્ટેનન્સ, વેરહાઉસિંગ સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી કન્ટેનરની કામગીરી સરળતાથી થતી હતી. જોકે, અદાણી પોર્ટ દ્વારા આ ખાનગી યાર્ડના કોડ રદ કરીને કન્ટેનરની પિકઅપ અને ડ્રોપ સહિતની કામગીરી પોર્ટની અંદરથી જ કરવાની વ્યવસ્થા અમલમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ખાનગી યાર્ડ સંચાલકો અને ટ્રાન્સપોર્ટરોના જણાવ્યા મુજબ પોર્ટની અંદર આ પ્રકારની કામગીરીનું સંચાલન કરવું મુશ્કેલ બનશે તેમજ ઓપરેશનલ ખર્ચમાં પણ વધારો થઈ શકે છે. આ નિર્ણયના વિરોધમાં યાર્ડ સંચાલકો અને ટ્રાન્સપોર્ટરો હડતાળ પર ઉતર્યા છે.

મોરબી તરફ આવતા ખાલી કન્ટેનરની અવરજવર અટકી

મોરબીના એક્સપોર્ટર રાજ પટેલે જણાવ્યું હતું કે, “અદાણી પોર્ટ દ્વારા પોર્ટ બહાર કાર્યરત અંદાજે ૫૦ જેટલા પ્રાઇવેટ કન્ટેનર યાર્ડના કોડ અચાનક રદ કરી દેવાયા છે અને તમામ કન્ટેનર પોર્ટની અંદરથી જ ઓપરેટ કરવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. આ નિર્ણયના વિરોધમાં પ્રાઇવેટ યાર્ડ સંચાલકો અને મુન્દ્રા ટ્રાન્સપોર્ટરો હડતાળ પર છે. મોરબીમાં દરરોજ એક્સપોર્ટ-ઇમ્પોર્ટના મળીને અંદાજે ૨૦૦૦થી ૩૦૦૦ કન્ટેનરની અવરજવર થાય છે. હાલ હડતાળને કારણે નવા ખાલી કન્ટેનર મળવાના બંધ થઈ ગયા છે અને ટ્રાન્સપોર્ટેશન પણ અટકી ગયું છે. વિવાદનો નિવેડો નહીં આવે તો સિરામિક યુનિટોમાં માલનો ભરાવો થશે અને એક્સપોર્ટ કામગીરી પર અસર પડશે.”

ફેક્ટરીઓમાં લોડિંગ અટકતાં તૈયાર માલનો સ્ટોક વધ્યો

કેપેક્ષિલ (CAPEXIL)ના સિરામિક ડિવિઝનના ચેરમેન નિલેશ જેતપરીયાએ જણાવ્યું હતું કે, “મુન્દ્રા પોર્ટ પર ઊભા થયેલા વિવાદને કારણે હાલ ખાલી કન્ટેનરનું મુવમેન્ટ સાવ બંધ થઈ ગયું છે. પોર્ટ બહારના ખાનગી કન્ટેનર યાર્ડમાં વેરહાઉસિંગ અને મેઇન્ટેનન્સની કામગીરી સરળતાથી થતી હતી, જ્યારે પોર્ટની અંદર આ સમગ્ર વ્યવસ્થા મેનેજ કરવી મુશ્કેલ બનશે અને તેની અસર કોસ્ટિંગ પર પણ પડી શકે છે. હાલ ખાલી કન્ટેનર ન મળવાને કારણે ફેક્ટરીઓમાં સિરામિક માલનું લોડિંગ અટકી રહ્યું છે અને સ્ટોક જમા થઈ રહ્યો છે. જો આ પ્રશ્નનો ઝડપી નિકાલ નહીં આવે તો સિરામિક એક્સપોર્ટ પર ગંભીર અસર પડી શકે છે.”

ઉદ્યોગકારોમાં ચિંતાનો માહોલ

મોરબીમાંથી દરરોજ કરોડો રૂપિયાની ટાઇલ્સ સહિતનો સિરામિક માલ દેશ-વિદેશના વિવિધ બજારોમાં મોકલવામાં આવે છે. હાલ ભરેલા કન્ટેનરની હિલચાલ અમુક અંશે ચાલુ હોવા છતાં નવા ઓર્ડરના લોડિંગ માટે જરૂરી ખાલી કન્ટેનર ઉપલબ્ધ ન થતાં ફેક્ટરીઓમાં તૈયાર માલનો જથ્થો વધવા લાગ્યો છે.

હડતાળ લાંબી ચાલે તો આંતરરાષ્ટ્રીય ઓર્ડરની ડિલિવરીમાં વિલંબ થવાની સાથે મોરબીના સિરામિક ઉદ્યોગની સપ્લાય ચેઇન પર પણ અસર પડી શકે છે. પરિણામે ઉદ્યોગકારોને આર્થિક નુકસાન થવાની તેમજ વિદેશી ગ્રાહકો સુધી સમયસર માલ પહોંચાડવામાં મુશ્કેલી સર્જાવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો દ્વારા સમગ્ર વિવાદનો વહેલી તકે ઉકેલ લાવી ખાલી કન્ટેનરની અવરજવર પૂર્વવત્ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments