કુલ 14 ડાયાલિસીસ મશીન કાર્યરત થતાં હવે દરરોજ 42 દર્દીઓને વિનામૂલ્યે ડાયાલિસીસની સુવિધા મળશે

મોરબી : મોરબીમાં આરોગ્ય સેવાઓના ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો થયો છે. મોરબી રાજવી પરિવાર દ્વારા સંચાલિત મયુર હોસ્પિટલ ખાતે સ્વર્ગસ્થ મહારાજ કુમારી હર્ષદ દેવીબાની સ્મૃતિમાં નવા 8 ડાયાલિસીસ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવા 8 મશીનના ઉમેરા સાથે મયુર હોસ્પિટલમાં હવે કુલ 14 ડાયાલિસીસ મશીન કાર્યરત થયા છે. જેના પરિણામે કિડનીના દર્દીઓને મોટી રાહત મળશે અને દરરોજ 42 જેટલા દર્દીઓ વિનામૂલ્યે ડાયાલિસીસની સુવિધાનો લાભ લઈ શકશે.




આ લોકાર્પણ પ્રસંગે રાજવી પરિવારના રાજકુમારી ઉમાબા અને મીરાબા, રાજકોટના રાજકુમાર જયદેવસિંહ માધાતાસિંહ જાડેજા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, મોહનભાઈ કુંડારિયા, ડો. જયંતિભાઈ ભાડેસિયા અને વિનોદભાઈ ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત બી.ટી. સવાણી હોસ્પિટલના ચેરમેન નાનુભાઈ મકવાણા, મેનેજિંગ ટ્રસ્ટી અરુણભાઈ પટેલ, ટ્રસ્ટી ડો. વિવેક જોશી સહિતના આગેવાનો અને સેવાભાવીજનો પણ હાજર રહ્યા હતા.

મોરબી રાજવી પરિવારનું સેવાકાર્ય સમગ્ર ગુજરાત માટે પ્રેરણાદાયી

પ્રસંગે સંબોધન કરતા રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આપણી સાચી સમૃદ્ધિ બેંક બેલેન્સમાં નહીં પરંતુ શિક્ષણ અને આરોગ્યમાં રહેલી છે. મોરબી રાજવી પરિવાર દ્વારા કરવામાં આવતું સેવાકાર્ય સમગ્ર ગુજરાતના અન્ય રાજવી પરિવારો માટે પ્રેરણાદાયી છે.

તેમણે જણાવ્યું હતું કે મચ્છુ ડેમ હોનારત, ભૂકંપ તેમજ ઝૂલતા પુલ દુર્ઘટના જેવી મોરબીની અનેક વિકટ પરિસ્થિતિઓમાં રાજવી પરિવારે લોકોના દુઃખમાં સહભાગી બની સતત સેવાકાર્ય કર્યું છે. હાલ આરોગ્ય ક્ષેત્રે ડાયાલિસીસ જેવી મહત્વપૂર્ણ સેવા ઉપલબ્ધ કરાવવાનું કાર્ય પણ સમાજ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ લોકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બનવા અપીલ કરી હતી. દિવસેને દિવસે વિવિધ બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે સારવારની સાથે રોગોથી બચવા માટે અગમચેતી અને જીવનશૈલીમાં જરૂરી સુધારા પણ એટલા જ મહત્વપૂર્ણ હોવાનું તેમણે જણાવ્યું હતું. આ સેવાકાર્યમાં ભવિષ્યમાં જે કોઈ જરૂરિયાત ઊભી થશે તેમાં પોતાનો પૂરતો સહયોગ આપવાની ખાતરી પણ તેમણે આપી હતી.

દરરોજ 42 દર્દીઓને વિનામૂલ્યે ડાયાલિસીસનો લાભ મળશે

બી.ટી. સવાણી ગ્રુપના ડો. વિવેક જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અગાઉ સિમ્પોલો ફાઉન્ડેશનના સહયોગથી મયુર હોસ્પિટલમાં 6 ડાયાલિસીસ મશીન શરૂ કરવામાં આવ્યા હતા. હવે મોરબી રાજવી પરિવારના સહયોગથી વધુ 8 નવા મશીન ઉમેરવામાં આવતા હોસ્પિટલમાં કુલ 14 ડાયાલિસીસ મશીન કાર્યરત થયા છે.

એક મશીન પર દરરોજ ત્રણ દર્દીઓનું ડાયાલિસીસ કરી શકાય છે. આ મુજબ હવે મયુર હોસ્પિટલમાં દરરોજ આશરે 42 દર્દીઓને વિનામૂલ્યે ડાયાલિસીસની સુવિધા ઉપલબ્ધ થશે. કિડનીની ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ માટે આ સુવિધા આર્થિક તેમજ આરોગ્યની દૃષ્ટિએ મોટી રાહતરૂપ બનશે.

PMJAY હેઠળ ફ્રી ડાયાલિસીસ, અન્ય દર્દીઓનો ખર્ચ પણ દાતાઓ ઉઠાવશે

ડો. વિવેક જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ રાજકોટ ખાતે 50 ડાયાલિસીસ મશીન કાર્યરત છે, જ્યાં દરરોજ આશરે 200 ડાયાલિસીસ કરવામાં આવે છે. જ્યારે જૂનાગઢમાં પણ 15 ડાયાલિસીસ મશીન કાર્યરત છે.

સરકારની PMJAY યોજના હેઠળ પાત્ર દર્દીઓને વિનામૂલ્યે ડાયાલિસીસની સુવિધા આપવામાં આવે છે. જે દર્દીઓ પાસે PMJAY કાર્ડ ઉપલબ્ધ ન હોય તેમના ડાયાલિસીસનો રૂ. 500 જેટલો ખર્ચ પણ દાતાઓના સહયોગથી ઉઠાવવામાં આવે છે. જેના કારણે જરૂરિયાતમંદ દર્દીઓને ડાયાલિસીસ માટે કોઈ ચાર્જ ચૂકવવો પડતો નથી.

કિડનીની બીમારીથી બચવા જીવનશૈલીમાં સુધારો જરૂરી

ડો. વિવેક જોશીએ લોકોને કિડની સંબંધિત ગંભીર બીમારીઓથી બચવા માટે જીવનશૈલીમાં જરૂરી સુધારા કરવા અપીલ કરી હતી. ખાસ કરીને ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા, સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા તેમજ તમાકુ સહિતના વ્યસનોથી દૂર રહેવા તેમણે અનુરોધ કર્યો હતો.

મોરબીમાં રાજવી પરિવારના સહયોગથી શરૂ કરવામાં આવેલી આ નવી ડાયાલિસીસ સુવિધા જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે અને શહેર તથા આસપાસના વિસ્તારોમાં આરોગ્ય સેવાને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.











