HomeAllમોરબીમાં કૃષ્ણમય માહોલ વચ્ચે જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા, જયઘોષથી ગુંજી ઉઠ્યું શહેર

મોરબીમાં કૃષ્ણમય માહોલ વચ્ચે જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા, જયઘોષથી ગુંજી ઉઠ્યું શહેર

મટકીફોડ અને ધાર્મિક ઝાંખીઓ બન્યાં આકર્ષણનું કેન્દ્ર, કાંતિલાલ અમૃતિયા, ઉત્તમ સુરાણી સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

04 સપ્ટેમ્બર: મોરબીમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી અંતર્ગત સર્વ હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય અને દિવ્ય જન્માષ્ટમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘નંદ ઘેર આનંદ ભયો’ના નાદ અને શ્રીકૃષ્ણના જયઘોષ સાથે શહેરમાં નીકળેલી આ શોભાયાત્રાને પગલે સમગ્ર મોરબી કૃષ્ણમય બની ગયું હતું.

રેલવે સ્ટેશન નજીક આવેલા જડેશ્વર મંદિર ખાતેથી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. યાત્રાના પ્રારંભ બાદ સુપર ટોકીઝ નજીક ઉત્સાહભેર મટકીફોડ કાર્યક્રમ યોજાયો હતો. શોભાયાત્રા શહેરના સુપર ટોકીઝ, ત્રિકોણ બાગ, નવા ડેલા રોડ, જુના બસ સ્ટેન્ડ, રામ ચોક, સીતા ચોક, ચકિયા હનુમાનજી મંદિર, ગાંધી ચોક, શાક માર્કેટ, નહેરુ ગેઇટ અને ગ્રીન ચોક સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ દરબારગઢ સ્થિત રામ મહેલ મંદિર ખાતે પૂર્ણાહુતિ પામશે.

શોભાયાત્રામાં ધાર્મિક અને સાંસ્કૃતિક આકર્ષણોનો વિશેષ સમાવેશ કરવામાં આવ્યો છે. અલગ-અલગ મંડળો દ્વારા યાત્રાના રૂટ પર આશરે 20 જેટલા સ્થળોએ મટકીફોડના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત હિન્દુ ધાર્મિક સંસ્કૃતિ અને ભગવાન શ્રીકૃષ્ણના જીવનપ્રસંગોને ઉજાગર કરતા 8થી 9 જેટલા આકર્ષક ફ્લોટ્સ અને ઝાંખીઓ તૈયાર કરવામાં આવી છે.

આ ભવ્ય શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગા વાહિની, બજરંગ દળ, શિવસેના સહિતના વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરો અને આગેવાનો જોડાયા છે. યુવાનો અને કાર્યકરો દ્વારા વિવિધ કરતબો તથા સાહસિક પ્રદર્શન પણ રજૂ કરવામાં આવી રહ્યા છે, જેના પગલે શોભાયાત્રામાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.

જન્માષ્ટમીના આ પાવન પર્વે યોજાયેલી શોભાયાત્રામાં મંત્રી કાંતિલાલ અમૃતિયા, મોરબી મેયર ઉત્તમ સુરાણી, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ મોટી સંખ્યામાં નગરજનો શોભાયાત્રામાં જોડાઈ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments