HomeAllઅપૂરતા વરસાદથી ખરીફ પાક સુકાવાની ભીતિ, મચ્છુ-૨માંથી સિંચાઈનું પાણી છોડવા માંગ

અપૂરતા વરસાદથી ખરીફ પાક સુકાવાની ભીતિ, મચ્છુ-૨માંથી સિંચાઈનું પાણી છોડવા માંગ

મોરબીના ૬ ગામોના સરપંચોએ કલેક્ટર, ધારાસભ્ય અને સિંચાઈ વિભાગને કરી રજૂઆત

મોરબી : ચાલુ વર્ષે ચોમાસામાં અપૂરતા વરસાદને કારણે મોરબી જિલ્લાના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદ ખેંચાતા ખેતરોમાં ઉભેલો ખરીફ પાક સુકાઈ રહ્યો છે અને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. આવી પરિસ્થિતિમાં પાકને બચાવવા માટે તાત્કાલિક સિંચાઈના પાણીની જરૂરિયાત ઊભી થતાં મોરબીના માનસર, નારણકા, ગોરખીજડિયા, વનાળિયા, મોડપર અને બીલીયા એમ કુલ ૬ ગામના સરપંચોએ એકત્રિત થઈ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવાયું છે કે, ખરીફ સીઝન ૨૦૨૬માં વરસાદની ખેંચના કારણે ખેડૂતોનો ઉભો પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતોના મહામૂલા પાકને બચાવવા માટે મચ્છુ-૨ ડેમમાંથી કેનાલ મારફતે તાત્કાલિક ધોરણે સિંચાઈ માટે પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે જ જો આગામી દિવસોમાં પણ વરસાદનો અભાવ રહે તો રવિ સીઝન ૨૦૨૬ માટે ૫ ઓક્ટોબરથી મચ્છુ-૨ ડેમના કમાન્ડ એરિયાના ખેડૂતોને પિયત માટે પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.

ખેડૂતોની ગંભીર સમસ્યાને લઈને ૬ ગ્રામ પંચાયતો દ્વારા જિલ્લા કલેક્ટર ઉપરાંત મચ્છુ-૨ ડેમના કાર્યપાલક ઈજનેર તેમજ મોરબી-ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાને પણ રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનો અને ખેડૂતો દ્વારા વહીવટી તંત્ર તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓને પરિસ્થિતિની ગંભીરતા ધ્યાને લઈ મચ્છુ-૨ ડેમમાંથી તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવા હકારાત્મક નિર્ણય લેવા અપીલ કરવામાં આવી છે, જેથી વરસાદના અભાવે સુકાઈ રહેલા ખરીફ પાકને જીવતદાન મળી શકે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments