HomeAllમોરબીમાં નાણાં ધીરધારના નિયમોનો ભંગ કરતા ૫૪ શાહુકારોને કારણદર્શક નોટિસ

મોરબીમાં નાણાં ધીરધારના નિયમોનો ભંગ કરતા ૫૪ શાહુકારોને કારણદર્શક નોટિસ

૧૫ દિવસમાં સંતોષકારક ખુલાસો નહીં કરનારના લાયસન્સ રદ કરવાની ચેતવણી

મોરબી : મોરબી જિલ્લામાં નાણાં ધીરધારના કાયદાનું કડક પાલન કરાવવા જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન સરકારી ઓનલાઈન પોર્ટલ પર લોનની વિગતો સમયસર અપલોડ ન કરનાર તેમજ જરૂરી ઓડિટ રિપોર્ટ રજૂ ન કરનાર જિલ્લાના કુલ ૫૪ નોંધાયેલા શાહુકારોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.

મોરબી જિલ્લામાં હાલ કુલ ૫૪ લાયસન્સધારક શાહુકારો કાર્યરત છે, જેમાં મોરબી તાલુકાના ૩૪, વાંકાનેરના ૧૨ અને હળવદના ૮ શાહુકારોનો સમાવેશ થાય છે. નાણાં ધીરધાર કાયદા હેઠળ દરેક લાયસન્સધારકે દર મહિનાની ૧થી ૫ તારીખ દરમિયાન સરકારી ઓનલાઈન પોર્ટલ પર નિયત ફોર્મ નંબર-૧૧માં લોન સંબંધિત વિગતો ફરજિયાત સબમિટ કરવાની હોય છે. આ ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષના ઓડિટ રિપોર્ટ પણ જમા કરાવવાના હોય છે.

જિલ્લા રજિસ્ટ્રાર ડૉ. બિમલકુમાર એન. પટેલના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી તપાસ દરમિયાન મોટાભાગના શાહુકારો દ્વારા લોનની વિગતો સમયસર પોર્ટલ પર અપલોડ કરવામાં આવી ન હોવાનું તેમજ હિસાબોનું ઓડિટ કરાવી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો ન હોવાનું સામે આવ્યું હતું. આથી સંબંધિત ૫૪ શાહુકારોને નોટિસ પાઠવી નિયમોના ઉલ્લંઘન અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે.

ધંધો બંધ હોય કે શૂન્ય ટર્નઓવર ધરાવતા શાહુકારોએ પણ ફરજિયાતપણે નિયત સમયમર્યાદામાં ‘નીલ પત્રક’ રજૂ કરવાનું રહેશે. નોટિસ મળ્યાના ૧૫ દિવસની અંદર સંતોષકારક ખુલાસો રજૂ નહીં કરનાર શાહુકારો સામે લાયસન્સ કાયમી ધોરણે રદ કરવા સહિતની કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

જૂના લાયસન્સધારકો કે જેઓ હજુ સુધી સરકારી ઓનલાઈન પોર્ટલ પર નોંધાયા નથી તેમને પણ તાત્કાલિક નોંધણી કરાવવા તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લા રજિસ્ટ્રાર કચેરીએ સ્પષ્ટ કર્યું છે કે નાણાં ધીરધારના કાયદાનો ભંગ કરી નિયત દર કરતાં વધુ વ્યાજ વસૂલતા અથવા ગેરકાયદે ધિરાણ કરતા તત્વો સામે આગામી દિવસોમાં પણ સઘન ચેકિંગ અને કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments