જાહેરનામું માત્ર કાગળ પર ન રહે તે માટે હિન્દુ સંગઠનોની કડક કાર્યવાહીની માંગ, ધાર્મિક સ્થળો, શાળા અને જાહેર માર્ગો પાસે ચાલતી ગેરકાયદે નોનવેજની લારીઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત

મોરબી: ૮ સપ્ટેમ્બર ૨૦૨૬: જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેર વિસ્તારમાં આજથી તા. ૧૬ સપ્ટેમ્બર સુધી તમામ કતલખાનાઓ સંપૂર્ણપણે બંધ રાખવા તેમજ માંસ, મટન, માછલી અને ચિકનના વેચાણ પર સખત પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામાનો કડક અને અસરકારક અમલ થાય તે માટે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનોએ મ્યુનિ. કમિશનર સંગીતા રૈયાણી સમક્ષ રજૂઆત કરી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

મ્યુનિ. કમિશનર સંગીતા રૈયાણી દ્વારા જારી કરાયેલા જાહેરનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ કે વેપારી દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો બી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ની કલમ ૩૨૯ અને ૩૩૬ હેઠળ કડક ફોજદારી તેમજ દંડાત્મક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જાહેરનામાની ગ્રાઉન્ડ લેવલ પર અસરકારક અમલવારી થશે કે કેમ તે અંગે હિન્દુ સંગઠનોએ સવાલો ઉઠાવતા આક્ષેપ કર્યો છે કે મહાપાલિકા તંત્ર દ્વારા અગાઉ પણ જાહેરનામા અને નોટિસો બહાર પાડવામાં આવી છે, પરંતુ શહેરમાં ગેરકાયદે કતલખાનાઓ તેમજ રહેણાંક વિસ્તારોમાં માંસ-ઈંડાની લારીઓ સામે પૂરતી કાર્યવાહી થતી નથી. ખાસ કરીને જાહેર માર્ગો, શાળાઓ તેમજ પવિત્ર મંદિરોની આસપાસ ખુલ્લેઆમ ચાલતી નોનવેજની લારીઓના કારણે શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાતી હોવાની રજૂઆત કરવામાં આવી છે.

હિન્દુ સંગઠનોએ સ્પષ્ટતા કરી છે કે તેમનો વિરોધ કોઈ ચોક્કસ ધર્મ કે નિયમબદ્ધ વેપાર સામે નથી, પરંતુ સમગ્ર મોરબી શહેરમાં કાયદો સૌ માટે સમાન રીતે લાગુ થવો જોઈએ અને ગેરકાયદે વેપાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સંગઠનોએ મહાનગરપાલિકા તંત્રને સઘન ચેકિંગ હાથ ધરી ગેરકાયદે કતલખાનાઓને તાત્કાલિક સીલ કરવા તેમજ જાહેર સ્થળો પરથી ગેરકાયદે લારીઓ હટાવવાની માંગ કરી છે.

સંગઠનો દ્વારા તંત્રને ચેતવણી આપવામાં આવી છે કે જો જાહેરનામાનો અસરકારક અમલ કરવામાં નહીં આવે અને ગેરકાયદે નોનવેજના વેચાણ સામે કાર્યવાહી નહીં થાય તો આ મુદ્દે આંદોલનાત્મક પગલાં લેવામાં આવશે. નિયમોનો ભંગ કરતી લારીઓ અને દુકાનોના ફોટો-વિડિયો સોશિયલ મીડિયા પર જાહેર કરી તંત્રની નિષ્ક્રિયતા સામે લોકજુવાળ ઊભો કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.





















