છેલ્લા ૬ મહિનાથી ગટર સફાઈ માટે કોઈ કામગીરી ન કરાઈ હોવાનો સ્થાનિકનો આક્ષેપ

મોરબી : મોરબી શહેરમાં વિકાસની વાતો વચ્ચે અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવની ફરિયાદો સામે આવી રહી છે. શહેરના લખધીરવાસ વિસ્તારમાં વાંકાનેર દરવાજા પાસે ભગવતી ધૂન ભંજન મંડળની સામેની શેરીમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લી ગટર ચોકઅપ થઈ જતાં ગંદુ પાણી ભરાઈ રહેવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગટરના ગંદા પાણીના ભરાવાને કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિક પિયુષભાઈ હિંમતલાલ વાઢારાના જણાવ્યા મુજબ, છેલ્લા છ મહિનાથી ગટરમાંથી ગંદકી દૂર કરવા કે તેની સફાઈ કરવા માટે તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. પરિણામે તેમના મકાન પાસેથી પસાર થતી ગટરનું પાણી આગળ જતું ન હોવાથી ગંદુ પાણી સતત ભરાઈ રહે છે.

ગંદા પાણીના ભરાવાને કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે, જેના કારણે સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ જોવા મળી રહી છે. સ્થાનિકે આશંકા વ્યક્ત કરી છે કે ગટરના ઉપરના ભાગમાં કોઈ વ્યક્તિ દ્વારા લાંબું ભૂંગળું મૂકવામાં આવતા ગટરનો પ્રવાહ અવરોધાયો હોઈ શકે છે. જો ગટરમાં પાઈપ કે અન્ય કોઈ વસ્તુના કારણે અવરોધ સર્જાયો હોય તો તેને તાત્કાલિક દૂર કરી ગટરનો પ્રવાહ પૂર્વવત કરવા માંગ કરવામાં આવી છે.

વર્ષો જૂની આ ગટરમાંથી નીકળતું ગંદુ પાણી હવે સ્થાનિકોના ફળિયામાં પણ ઘૂસી જતું હોવાથી લોકો માટે પરિસ્થિતિ વધુ વિકટ બની છે. ગંદા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોને સતત દુર્ગંધ અને ગંદકી વચ્ચે રહેવાની ફરજ પડી રહી છે.

આ સમગ્ર સમસ્યાને લઈને સ્થાનિક દ્વારા મહાપાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક સ્થળ તપાસ કરી ગટર સફાઈ તેમજ અવરોધ દૂર કરવાની કામગીરી હાથ ધરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે.





















