
મોરબી : યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે આવતીકાલે તા. ૧૧ સપ્ટેમ્બરના રોજ દેશવ્યાપી એક દિવસીય બેંક હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. આ હડતાળમાં મોરબી જિલ્લાના ૧૨ રાષ્ટ્રીયકૃત બેંકોના ૫૦૦થી વધુ કર્મચારીઓ જોડાશે.

બેંક કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં અઠવાડિયામાં પાંચ દિવસનું બેંકિંગ અમલમાં મૂકવાની અને તમામ શનિવારે રજા જાહેર કરવાની માંગનો સમાવેશ થાય છે. ૮ માર્ચ ૨૦૨૪ની સમજૂતી મુજબ બેંક કર્મચારીઓ રોજના ૪૦ મિનિટ વધારાનું કામ કરવા સંમત થયા હોવા છતાં પાંચ દિવસના બેંકિંગને હજુ સુધી મંજૂરી આપવામાં આવી નથી.

આ ઉપરાંત, નાણા મંત્રાલયના DFS વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી Performance Linked Incentive (PLI) યોજનામાં Scale IV થી VIIIના અધિકારીઓને મોટો લાભ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ યુનિયનો દ્વારા કરવામાં આવ્યો છે. જેના કારણે ૯૫ ટકાથી વધુ સામાન્ય બેંક કર્મચારીઓ આ યોજનાના લાભથી વંચિત રહેતા કર્મચારીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

યુનિયનો દ્વારા અગાઉ કરવામાં આવેલી સમજૂતીઓ તથા હડતાળની નોટિસમાં રજૂ કરવામાં આવેલા અન્ય પડતર વહીવટી પ્રશ્નોનું પણ તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ નેશનલ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, યુકો બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ હડતાળમાં જોડાશે.

૨૮, ૨૯ અને ૩૦ સપ્ટેમ્બરે ત્રણ દિવસની હડતાળની ચીમકી

ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રી જે. જે. ધોળકીયાના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા બેંક કર્મચારીઓની પડતર માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. તા. ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ એક દિવસીય દેશવ્યાપી હડતાળ નિશ્ચિત છે. હાલ સરકાર સાથે વાતચીત ચાલી રહી છે અને જો પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી તા. ૨૮, ૨૯ અને ૩૦ સપ્ટેમ્બરના રોજ ત્રણ દિવસની દેશવ્યાપી હડતાળ યોજવામાં આવશે. ત્યારબાદ પણ માંગણીઓનો ઉકેલ નહીં આવે તો તા. ૨૬ ઓક્ટોબર ૨૦૨૬થી અચોક્કસ મુદતની દેશવ્યાપી બેંક હડતાળ શરૂ કરવાની ચીમકી આપવામાં આવી છે.



















