51 દિકરીઓના ધામધૂમથી લગ્ન કરાવાશે, અગાઉ ચાર સમૂહ લગ્નોત્સવમાં 78 દિકરીઓના લગ્ન કરાવાયા

08 સપ્ટેમ્બર 2026: મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આ સેવાકીય પ્રવૃત્તિઓને આગળ ધપાવતા ગ્રુપ દ્વારા આગામી 20 જાન્યુઆરી 2027ના રોજ પાંચમા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 51 દિકરીઓના લગ્ન એક પરિવારની જેમ ધામધૂમપૂર્વક કરાવવામાં આવશે.

આ સમૂહ લગ્નોત્સવમાં ખાસ કરીને માતા-પિતા વિનાની તેમજ આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતી દિકરીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. આર્થિક મુશ્કેલીના કારણે લગ્નના આયોજનમાં મુશ્કેલી અનુભવતા પરિવારો માટે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આ સેવાકીય પહેલ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા અગાઉ ચાર વખત સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં 5 દિકરીઓ, દ્વિતીય સમૂહ લગ્નોત્સવમાં 11 દિકરીઓ, તૃતીય સમૂહ લગ્નોત્સવમાં 21 દિકરીઓ અને ચતુર્થ સમૂહ લગ્નોત્સવમાં 41 દિકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા. આમ, અગાઉના ચાર સમૂહ લગ્નોત્સવમાં કુલ 78 દિકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા છે. હવે પાંચમા સમૂહ લગ્નોત્સવમાં વધુ 51 દિકરીઓના લગ્ન કરાવવામાં આવતાં અત્યાર સુધીમાં કુલ 129 દિકરીઓના સમૂહ લગ્ન કરાવવાનો સેવાસંકલ્પ પૂર્ણ થશે.

સમૂહ લગ્નોત્સવના આ સેવાકીય કાર્યમાં કોઈપણ દાતા પોતાનું યોગદાન આપવા ઇચ્છતા હોય તેઓ અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ મો. 9904855551 પર સંપર્ક કરી શકે છે.

તેમજ સમૂહ લગ્નોત્સવમાં જોડાવા ઇચ્છુક દિકરીઓએ ફોર્મ મેળવવા માટે મો. 70697 70679, 89803 46649, 99134 30772, 96249 03743 તથા 9904855551 પર સંપર્ક કરવાનો રહેશે. ગ્રુપ દ્વારા આ સેવાકીય કાર્યનો લાભ લેવા ઇચ્છુક દિકરીઓ અને તેમના પરિવારજનોને વહેલી તકે સંપર્ક કરી ફોર્મ મેળવી જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.





















