HomeAllમોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની જિલ્લા સેવા સદન ખાતે આકસ્મિક મુલાકાત

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની જિલ્લા સેવા સદન ખાતે આકસ્મિક મુલાકાત

હાજરી પત્રક, ડેડ સ્ટોક રજીસ્ટર અને રેકોર્ડની નિભાવણીની ચકાસણી કરી અધિકારીઓ-કર્મચારીઓને સમયપાલન અને પ્રજાભિમુખ કામગીરી માટે જરૂરી સૂચનો

૦૮ સપ્ટેમ્બર, ૨૦૨૬: મોરબી જિલ્લામાં સરકારી કચેરીઓની કામગીરી વધુ ઝડપી, પારદર્શક અને શિસ્તબદ્ધ બને તે હેતુસર જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા જિલ્લા સેવા સદન ખાતે આવેલી માર્ગ અને મકાન વિભાગની કાર્યપાલક ઈજનેર કચેરીની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર દ્વારા કચેરીની દૈનિક કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમણે હાજરી પત્રકની ચકાસણી કરી અધિકારીઓ અને કર્મચારીઓની સમયસર હાજરી અંગે જરૂરી સૂચનાઓ આપી હતી. સરકારી કચેરીઓમાં સમયપાલન અને વહીવટી શિસ્ત જળવાઈ રહે તે અંગે તેમણે ખાસ ભાર મૂક્યો હતો.

કલેક્ટર દ્વારા કચેરીમાં સરકારી માલ-મિલકતના હિસાબો દર્શાવતા ડેડ સ્ટોક રજીસ્ટર, વિવિધ દફતરો અને રેકોર્ડની નિભાવણી તેમજ રેકોર્ડ રૂમ સહિતની કામગીરીની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી.

વધુમાં, કચેરીમાં આવતા અરજદારો અને પ્રજાજનોના કામો સમયસર અને સરળતાથી થાય તેમજ તેમને કોઈ અગવડ ન પડે તે માટે અધિકારીઓ-કર્મચારીઓને પ્રજાભિમુખ અભિગમ સાથે કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લા કલેક્ટરની આકસ્મિક મુલાકાતના પગલે સરકારી કચેરીઓમાં સમયપાલન, રેકોર્ડની સુવ્યવસ્થિત નિભાવણી, વહીવટી પારદર્શિતા અને પ્રજાલક્ષી કામગીરીને વધુ વેગ મળવાની અપેક્ષા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments