મોરબીમાં પરહિતકર્મ ગ્રુપ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પરહિત અને જીવદયા ભાવનાને સાકાર કરતી પ્રેરણાદાયી સેવા પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. ગ્રુપના સભ્યો તથા દાતાશ્રીઓના સહયોગથી સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સતત 30 દિવસ સુધી જરૂરિયાતમંદ લોકો માટે ડ્રાયફ્રૂટયુક્ત દૂધનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ શહેરના કુતરાઓ માટે પણ નિયમિતપણે દૂધનું વિતરણ કરી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

પરહિતકર્મ ગ્રુપ દ્વારા શ્રાવણ માસના એક મહિના દરમિયાન દરરોજ સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. ગ્રુપના સભ્યો દરરોજ આશરે બે કલાકનો સમય સેવાકાર્ય માટે ફાળવી માનવ સેવા તેમજ જીવસેવામાં જોડાયા હતા. નાના-મોટા સૌ કોઈને દૂધ અને ડ્રાયફ્રૂટનું વિતરણ કરી શ્રાવણ માસની પવિત્રતાને સેવાભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો.



‘હર જીવમાં શિવ છે’ અને ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ના સંદેશને સાર્થક કરતા પરહિતકર્મ ગ્રુપના સભ્યો દ્વારા સમાજમાં સેવા અને પરોપકારની ભાવનાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સેવાકાર્યમાં દાતાશ્રીઓએ આપેલા સહયોગ બદલ ગ્રુપ દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

પરહિતકર્મ ગ્રુપ દ્વારા ભવિષ્યમાં પણ સમાજના જરૂરિયાતમંદ લોકો તેમજ અબોલ જીવોની સેવા માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.























