HomeAllમોરબીમાં કોમર્શિયલ અને ધાર્મિક સ્થળોએ ડસ્ટબિન ફરજિયાત, ભીનો-સૂકો કચરો અલગ રાખવાનો આદેશ

મોરબીમાં કોમર્શિયલ અને ધાર્મિક સ્થળોએ ડસ્ટબિન ફરજિયાત, ભીનો-સૂકો કચરો અલગ રાખવાનો આદેશ

નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે મહાપાલિકા કડક કાર્યવાહી કરશે

મોરબી, તા. 12 સપ્ટેમ્બર: મોરબી શહેરમાં સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના તમામ કોમર્શિયલ એકમો, વેપારી સંકુલો, દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટ તેમજ ધાર્મિક સ્થળોએ ડસ્ટબિન રાખવી ફરજિયાત કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી સમયમાં મહાપાલિકા દ્વારા સ્થળ ચકાસણી અને ચેકિંગ હાથ ધરવાના પણ સંકેતો આપવામાં આવ્યા છે.

મહાનગરપાલિકાના નવા નિયમો મુજબ તમામ એકમોના સંચાલકો અને વેપારીઓએ પોતાના પરિસરમાં ઉત્પન્ન થતા કચરાનું ઉદ્ભવસ્થાન પર જ ફરજિયાત વર્ગીકરણ કરવાનું રહેશે. આ માટે ભીના અને સૂકા કચરાને અલગ-અલગ એકત્ર કરવા બે જુદી ડસ્ટબિન રાખવાની રહેશે.

પરિસરમાં એકત્ર કરવામાં આવેલા વર્ગીકૃત કચરાનો જાહેર સ્થળે નિકાલ કરી શકાશે નહીં. કચરાનો નિકાલ મહાનગરપાલિકા દ્વારા કાર્યરત સત્તાવાર કચરા કલેક્શન વ્યવસ્થા મારફતે જ નિયમોનુસાર કરવાનો રહેશે. આ વ્યવસ્થાના અમલથી શહેરમાં જાહેર સ્થળોએ કચરો ફેંકવાની પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવી સ્વચ્છતા જાળવવામાં મદદ મળશે.

મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે જે કોઈ વેપારી એકમ, સંસ્થા, હોટલ-રેસ્ટોરન્ટ અથવા ધાર્મિક સ્થળ દ્વારા ડસ્ટબિન રાખવા, કચરાનું યોગ્ય વર્ગીકરણ કરવા અથવા કચરાનો નિયમોનુસાર નિકાલ કરવા અંગેની સૂચનાઓનું પાલન કરવામાં નહીં આવે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ડસ્ટબિન ન રાખવા, ભીના-સૂકા કચરાનું યોગ્ય વિભાજન ન કરવા અથવા જાહેર સ્થળોએ કચરો ફેંકવા બદલ લાગુ પડતા Solid Waste Management Rules અને સ્થાનિક બાયલોઝ હેઠળ નોટિસ ફટકારવામાં આવશે. નિયમોનો ભંગ કરનાર પાસેથી દંડ વસૂલવા ઉપરાંત જરૂરી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તેવી ચેતવણી મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે.

મહાનગરપાલિકાએ વેપારીઓ, સંચાલકો, સંસ્થાઓ અને ધાર્મિક સ્થળોના જવાબદાર વ્યક્તિઓને નિયમોનું પાલન કરી મોરબી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના અભિયાનમાં સહકાર આપવા અપીલ કરી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments