
ગાંધીનગર: નેશનલ ફિલ્મ એવોર્ડના 72 વર્ષના ઇતિહાસમાં ગુજરાતમાં પ્રથમવાર આ સમારોહ 22મી સપ્ટેમ્બરે એકતાનગર (કેવડીયા)માં યોજાશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે 1954માં આયોજિત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીતવાનું માન મરાઠી ફિલ્મ ‘શ્યામસ આઇ’ને મળ્યું છે. જ્યારે પહેલી નેશનલ એવોર્ડ વિજેતા હિન્દી ફિલ્મ ‘મિર્ઝા ગાલીબ’ હતી જે સોહરાબ મોદીએ બનાવી હતી. આ નેશનલ ફિલ્મ એવોર્ડનો સમારોહ ગુજરાતમાં પ્રથમવાર યોજાઇ રહ્યો છે.

સાંજે 4થી 6 વાગ્યા સુધી મુખ્ય એવોર્ડ વિતરણ સમારોહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં આશરે 75 મિનિટના મુખ્ય પ્રોટોકોલ સેશન દરમિયાન વિવિધ કેટેગરીના વિજેતાઓને એવોર્ડ અને સન્માનપત્ર એનાયત કરાશે. સાંજે 4થી 5:15 વાગ્યા દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રગાન સાથે મુખ્ય સમારોહની શરૂઆત થશે. ત્યારબાદ ફીચર ફિલ્મ, નોન-ફીચર ફિલ્મ તેમજ શ્રેષ્ઠ અભિનેતા અને અભિનેત્રી સહિત વિવિધ શ્રેણીઓમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેઝર અને લાઇટ એન્ડ સાઉન્ડ શો સાંજે 5:15થી 6 વાગ્યા દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓને સંબોધન કરશે.

ત્યારબાદ તમામ એવોર્ડ વિજેતાઓ સાથે સત્તાવાર ગ્રુપ ફોટોગ્રાફી કરવામાં આવશે. મુખ્ય સમારોહ પૂર્ણ થયા બાદ સાંજે 6:30 વાગ્યા પછી મહેમાનો માટે નર્મદા નદી કાંઠે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખાસ થીમ આધારિત લેઝર તેમજ લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના ઈઊઘ અમિત અરોરાએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી માટે આ ખૂબ જ ગર્વની વાત છે. કે આ વખતે એકતાનગરમાં નેશનલ ફિલ્મ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

દર વર્ષની જેમ આ વખતે પણ રાષ્ટ્રપતિ વિજેતાઓને એવોર્ડ એનાયત કરવા પધારી રહ્યા છે. ઓથોરિટીએ જિલ્લા પ્રશાસન સાથે મળીને આ કાર્યક્રમની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે. ઓથોરિટીનો મુખ્ય હેતુ એ છે કે, અહીં જે સમગ્ર સર્વાંગી અને પ્રવાસન આધારિત વિકાસ થયો છે. તેને એવોર્ડ વિજેતાઓ અને આવનારા તમામ મુલાકાતીઓ સમક્ષ યોગ્ય રીતે રજૂ કરી શકાય. વર્ષ 1954થી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આપવામાં આવતા આ એવોર્ડના 72 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત દિલ્હી બહાર યોજાઈ રહ્યો છે અને આ વખતે ગુજરાતને યજમાની સોંપવામાં આવી છે.

જેને લઈને એકતાનગર ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સ્ટેટ્યુ ઓફ યુનિટી ખાતે મહેમાનો માટે અઈ જર્મન ડોમ તૈયાર કરાયો છે, જેમાં 1000 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મહેમાનો ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે. કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ ભવ્ય સમારોહને સફળ અને યાદગાર બનાવવા માટે વિવિધ ક્ષેત્રના 500થી વધુ ટેકનિશિયનો, કારીગરો અને મજૂરોની ટીમ રાત-દિવસ સતત કામગીરીમાં જોડાયેલા છે.

આકર્ષક સ્ટેજ લાઇટિંગ અને વીઆઈપી લાઉન્જ ’જર્મન ડોમ’નું સ્ટ્રક્ચર અને અંદરના ઈન્ટિરીયરનું કામ આખરી તબક્કામાં છે. હાઇટેક સાઉન્ડ સિસ્ટમ, આકર્ષક સ્ટેજ લાઇટિંગ અને વીઆઈપી લાઉન્જ તૈયાર કરવા માટે સ્પેશિયલિસ્ટ્સ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ અને દેશના દિગ્ગજ ફિલ્મ કલાકારોના આગમન પહેલા સમગ્ર પરિસરને આકર્ષક રોશની અને થીમ આધારિત ડેકોરેશનથી સજ્જ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.




















