
મોરબી: શહેરમાં ચાલી રહેલા ગણેશોત્સવ અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગદળ, મોરબી દ્વારા વિવિધ વિસ્તારોમાં આયોજિત ગણેશ પંડાલોની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન કાર્યકર્તાઓએ ગણેશજીના દર્શન કરી આરતીનો લાભ લીધો હતો.

ગણેશોત્સવના પાવન અવસરે VHP અને બજરંગદળના કાર્યકર્તાઓએ વિવિધ ગણેશ પંડાલોના આયોજકો સાથે મુલાકાત કરી હતી. ગણેશોત્સવનું સુંદર અને ભવ્ય આયોજન કરવા બદલ આયોજકોને શુભેચ્છાઓ પાઠવી ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ગૌમાતાના રક્ષણ અને સન્માનના હેતુથી ચલાવવામાં આવી રહેલા ‘ગૌ સન્માન આહ્વાન અભિયાન’ અંતર્ગત હસ્તાક્ષર ફોર્મ પણ પંડાલના આયોજકોને આપવામાં આવ્યા હતા. આ અભિયાનમાં સહભાગી બની ગૌમાતાના સન્માન અને રક્ષણ માટેના સંકલ્પને આગળ વધારવા કાર્યકર્તાઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી.

ગણેશોત્સવ દરમિયાન વિવિધ પંડાલોની મુલાકાત સાથે ધાર્મિક ભાવનાને વેગ આપવા તેમજ સામાજિક જાગૃતિના સંદેશને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.






















