
વાંકાનેર, ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૬: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના સેવા કાર્યના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા વાંકાનેર શહેરમાં ‘નમો સેવા ગાથા અનકહી કહાની’ અંતર્ગત નાટકના કાર્યક્રમો યોજાયા હતા.


સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં ૨૧ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર દરમિયાન વિવિધ તાલુકાઓ તેમજ મોરબી મહાનગરપાલિકાના વોર્ડમાં શેરી નાટકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ૨૧ સપ્ટેમ્બરના રોજ વાંકાનેરમાં શ્રી રામકૃષ્ણ પ્રાથમિક શાળા, નવાપર તેમજ માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવ, ટાઉનહોલ ખાતે નાટકના કાર્યક્રમો યોજાયા હતા.

માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવ, ટાઉનહોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સેવા, સમર્પણ અને જનકલ્યાણનો સંદેશ લોકો સુધી સરળ અને અસરકારક રીતે પહોંચાડતા આ નાટકને નિહાળવા આશરે ૪ હજાર નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

વાંકાનેર શહેરમાં યોજાયેલા બંને કાર્યક્રમોમાં નગરજનો, યુવાનો, વિદ્યાર્થીઓ સહિત વિવિધ વર્ગના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને સેવા તથા જનકલ્યાણના સંદેશને લોકભાગીદારી સાથે આગળ વધાર્યો હતો.






















