મોરબી શહીદ-એ-આઝમ સરદાર ભગતસિંહની જન્મજયંતિને માત્ર સ્મરણ અને પુષ્પાંજલિ પૂરતી સીમિત ન રાખી મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ‘સંકલ્પ દિવસ’ તરીકે ઉજવવામાં આવી હતી. આ અંતર્ગત દેહદાન અને અંગદાન અંગે જાગૃતિ ફેલાવી 500થી વધુ નાગરિકોએ મૃત્યુ બાદ પણ માનવકલ્યાણ માટે ઉપયોગી બનવાનો સંકલ્પ લીધો હતો. ભગતસિંહના ત્યાગ, રાષ્ટ્રપ્રેમ અને દેશ માટેના સર્વોચ્ચ બલિદાનમાંથી પ્રેરણા લઈને આ પહેલ હાથ ધરવામાં આવી હતી. નાગરિકોને દેહદાન અને અંગદાનનું માનવીય તેમજ સામાજિક મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું અને મૃત્યુ બાદ પણ પોતાનું શરીર તબીબી શિક્ષણ માટે તથા અંગો જરૂરિયાતમંદોના જીવન બચાવવા ઉપયોગી બની શકે તે અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

આ પહેલનો ઉદ્દેશ ભગતસિંહની જન્મજયંતિને માત્ર તેમના જીવન અને બલિદાનને યાદ કરવાનો દિવસ ન રાખી, તેમના વિચારોમાંથી પ્રેરણા લઈને સમાજ પ્રત્યેની જવાબદારી સ્વીકારવાનો દિવસ બનાવવાનો હતો. 20 લોકોએ દેહદાન તેમજ 500થી વધુ નાગરિકોએ અંગદાનનો સંકલ્પ લઈ આ માનવસેવાના પ્રયાસમાં જોડાઈને પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

























