
ભુજ: કચ્છની ધરતી પર બાળપ્રતિભાએ ફરી એકવાર ગૌરવ વધાર્યું છે. ભુજના માત્ર 6 વર્ષના માનવ દીપકભાઈ સોનીએ ગણિત ક્ષેત્રે અદ્ભુત સ્મરણશક્તિ અને એકાગ્રતાનું પ્રદર્શન કરી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. Air Force School, ભુજના વિદ્યાર્થી માનવે આંખે પાટા બાંધીને માત્ર એક મિનિટમાં ફિબોનાકી શ્રેણીના 0થી 1,49,30,352 સુધીના 37 અંકો સફળતાપૂર્વક બોલી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે.

માનવની આ સિદ્ધિ તેની નાની ઉંમરમાં રહેલી અસાધારણ સ્મરણશક્તિ, એકાગ્રતા અને ગણિત પ્રત્યેની રસ-રુચિનું ઉદાહરણ બની છે. પડકારજનક ફિબોનાકી શ્રેણીના અંકોને યાદ રાખી આંખે પાટા બાંધીને નિર્ધારિત સમયમાં સંભળાવવાની આ સિદ્ધિ બદલ પરિવારજનો, શિક્ષકો અને માર્ગદર્શકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

માનવની આ સિદ્ધિ પાછળ તેની માતા અન્નુ દીપક સોની, છોટી મા જિનલ નીતિન સોની, દાદી લતાબેન દિલીપભાઈ સોની સહિત સમગ્ર પરિવારનો સતત સહયોગ, પ્રોત્સાહન અને નિયમિત પ્રેક્ટિસ મહત્વપૂર્ણ રહ્યા છે. પરિવારના સતત પ્રોત્સાહનથી માનવને પોતાની ક્ષમતાને વધુ વિકસાવવાની પ્રેરણા મળી હતી.

આ રેકોર્ડ માટેનું માર્ગદર્શન અને તાલીમ ભુજના માર્ગદર્શન કોચિંગના ગણિત શિક્ષક તથા મેન્ટર યોગેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવ્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ Co-Trainer પૂનમબેન સોની (પૂનમબેન બુદ્ધભટ્ટી) દ્વારા માનવને સતત પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી. નિયમિત અભ્યાસ, યાદશક્તિની કસરતો અને એકાગ્રતા વધારવા માટેના પ્રયાસોના પરિણામે માનવે આ સિદ્ધિ હાંસલ કરી હોવાનું જણાવાયું છે.

મેન્ટર યોગેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, “માનવની આ સિદ્ધિ તેની અથાગ મહેનત, એકાગ્રતા અને આત્મવિશ્વાસ સાથે પરિવારના સતત સહયોગનું પરિણામ છે. યોગ્ય માર્ગદર્શન અને સતત પ્રેક્ટિસથી નાની ઉંમરના બાળકો પણ પોતાની પ્રતિભાને નવી ઊંચાઈ આપી શકે છે.”

માનવ સોનીની આ સિદ્ધિથી ભુજ અને કચ્છના પરિવારજનો તથા શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે શુભેચ્છાઓનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે ગણિત ક્ષેત્રે હાંસલ કરેલી આ સિદ્ધિ અન્ય બાળકો માટે પણ પ્રેરણારૂપ બની છે. (તસ્વીર અહેવાલ : મહેશ સોની)




















