HomeAllમોરબી મેડિકલ કોલેજમાં વન્યજીવ સંરક્ષણ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન

મોરબી મેડિકલ કોલેજમાં વન્યજીવ સંરક્ષણ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન

વન્યપ્રાણી સપ્તાહ નિમિત્તે વન વિભાગનો કાર્યક્રમ યોજાયો, વન્યજીવોના મહત્વ અને સંરક્ષણમાં જનભાગીદારી અંગે કરાયું જાગૃતિમય માર્ગદર્શન

મોરબી, તા. ૮ ઓક્ટોબર, ૨૦૨૬: સમગ્ર ગુજરાતમાં તા. ૨થી ૮ ઓક્ટોબર દરમિયાન વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી સ્થિત સરકારી મેડિકલ કોલેજ ખાતે વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહ અંતર્ગત વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લાના નાયબ વન સંરક્ષક ડૉ. સુનીલ કુમાર બેરવાલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને વન્યજીવોનું પ્રાકૃતિક પર્યાવરણમાં મહત્વ, જીવનચક્ર તથા વન્યજીવ સંરક્ષણ અંગે વિસ્તૃત અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન માનવજીવન અને વન્યજીવો વચ્ચેના પરસ્પર સંબંધ, પર્યાવરણનું સંતુલન જાળવવામાં વન્યજીવોની ભૂમિકા તેમજ વન્યજીવ સંરક્ષણ માટે સમાજની સક્રિય ભાગીદારીના મહત્વ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. વન્યજીવો પ્રત્યે સંવેદનશીલતા કેળવી તેમના રક્ષણ માટે જવાબદારીપૂર્વક આગળ આવવા પણ અપીલ કરવામાં આવી હતી.

આ પ્રસંગે વન્યજીવોના રેસ્ક્યુ અને બચાવ કામગીરીમાં વન વિભાગને સતત નિઃસ્વાર્થ સહયોગ આપવા બદલ જીવદયા ટ્રસ્ટ, મોરબી તથા અન્ય સહયોગી સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વન્યજીવો પ્રત્યે દયા, રક્ષણ અને સંવર્ધનની ભાવના વધુ મજબૂત બનાવવાનો સંદેશ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વન વિભાગના કર્મચારીઓએ વન્યજીવ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા તથા પોતાના સ્તરે સંરક્ષણના પ્રયાસોમાં સહભાગી બનવાનો સંકલ્પ લીધો હતો.

આ પ્રસંગે મોરબી મેડિકલ કોલેજના ઈન્ચાર્જ ડીન ડૉ. સંજય, મદદનીશ વન સંરક્ષક પ્રતિક નારોડિયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર તૃપ્તિ જોશી, ભૂપતભાઈ છાયા સહિત મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments